રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં બે બાળવાઘનો જન્મ થતાં સફેદ વાઘની સંખ્યા 10 પર પહોંચી
રાજકોટઃ શહેરના પાર્ક પ્રાણીસંગ્રહાલયમાં નર સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી ગર્ભાવસ્થાના 105 દિવસ બાદ બે સફેદ વાઘબાળનો જન્મ થયો છે. આમ સફેદ વાઘણ ગાયત્રી અત્યાર સુધીમાં 12 બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે અને આ સાથે જ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘની સંખ્યા વધીને 10 થઈ છે. જેમાં 3 નર, 5 માદા અને 2 બચ્ચાનો સમાવેશ થાય છે.
રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં 10 વર્ષ પહેલાં છત્તીસગઢના ભિલાઈ ઝૂમાંથી એક વાઘ અને બે વાઘણને લાવવામાં આવી હતી. ત્યારબાદ ઝૂના કર્મચારીઓની દેખરેખ અને વાતાવરણ માફક આવી જતાં સફેદ વાઘની વસતીમાં વધારો થયો છે. સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાના અંતે તા.25 માર્ચના રોજ સાંજના સમયે 2 વાઘબાળનો જન્મ થયો હતો. માતા ગાયત્રી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા અને બચ્ચાં બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા અને બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવે છે. વર્ષ 2014-15 દરમિયાન વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભિલાઈ (છત્તીસગઢ)ને 1 સિંહ જોડી આપવામાં આવી હતી. જેના બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભિલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાઘ નર દિવાકર, સફેદ વાઘણ યશોધરા તથા સફેદ વાઘણ ગાયત્રી આપવામાં આવ્યાં હતાં.
શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂના સૂત્રોના જણાવ્યા મુજબ નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી અગાઉ તા.06/05/2015ના રોજ સફેદ વાઘબાળ એક માદાનો જન્મ થયો હતો. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.16/05/2015ના રોજ સફેદ વાઘબાળ 4 માદાનો જન્મ થયો હતો. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.02/04/2019ના રોજ 2 નર અને 2 માદા સફેદ વાઘબાળનો જન્મ થયો હતો. જ્યારે નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.18/05/2022ના રોજ 2 નર સફેદ વાઘબાળનો જન્મ થયો હતો. ઉપરાંત નર વાઘ દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી તા.05/12/2022ના રોજ 2 સફેદ વાઘ બાળનો જન્મ થયો હતો. આમ સફેદ વાઘણ ગાયત્રી દ્વારા અત્યારસુધીમાં કુલ 12 બચ્ચાંઓનો જન્મ આપી સફળતાપૂર્વક ઉછેર કરવામાં આવ્યો છે. રાજકોટ ઝૂ ખાતે અત્યારસુધીમાં કુલ 15 સફેદ વાઘબાળનો જન્મ થયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના આ પ્રાણીસંગ્રહાલયમાં હાલ 67 પ્રજાતિના 564 વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. ત્યારે દર વર્ષે સાડા સાત લાખ જેટલા લોકો આ ઝૂની મુલાકાત લે છે. ત્યારે મુલાકાતીઓના આકર્ષણરૂપ સફેદ વાઘની સંખ્યામાં વધારો થયો છે. નર સફેદ વાઘ દિવાકર અને વાઘણ ગાયત્રીની ભેટ રાજકોટ પ્રાણીસંગ્રહાલયને મળી હતી.