દિલ્હીમાં 13 નવેમ્બરથી વાહનો માટે ઓડ-ઇવન સિસ્ટમ લાગુ નહીં થાય
- દિવાળી બાદ સરકાર પ્રદુષણને લઈને સમીક્ષા કરશે
- ફરી સ્થિતિ ગંભીર બનશે તો ઓડ-ઈવન અંગે ફરી વિચારણા કરાશે
નવી દિલ્હીઃ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે 13 નવેમ્બરથી ઓડ-ઈવન લાગુ નહીં થાય. હાલ તેને મોકૂફ રાખવામાં આવ્યો છે. જો સ્થિતિ ફરી ગંભીર બનશે તો વિચારણા કરવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં આઠેક દિવસથી પવનની ગતિમાં બે સ્થિરતા હતી. જેના કારણે પ્રદૂષણનું સ્તર ગંભીર સ્તરે પહોંચી ગયું હતું. રાતથી પડેલા વરસાદ બાદ, AQI જે 450 હતો તે આજે 300 થઈ ગયો છે અને તેમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. જો સ્થિતિ ફરી ગંભીર બનશે તો તેને આગળ ઓડ-ઈવન સિસ્ટમ અંગે વિચારણા કરવામાં આવશે. દિવાળી પછી સરકાર પ્રદૂષણ અંગે સમીક્ષા બેઠક યોજશે અને તે પછી નિર્ણય લેવામાં આવશે.
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાનું પ્રદુષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું હતું. જેથી વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્રદુષણનું સ્તર ઘટાડવા માટે પગલા લેવાની શરૂઆત કરાઈ હતી. બીજી તરફ સર્વોચ્ચ અદાલતે પણ હવાના પ્રદુષણના સ્તરને લઈને ચિંતા વ્યક્ત કરીને અસરકારક પગલા લેવાની તાકીદ કરી હતી. દરમિયાન દિલ્હીમાં વાતાવરણમાં આવેલા પલટાને પગલે હવાનું પ્રદુષણ પણ ઘટ્યું છે. જેને પગલે તંત્રએ રાહતની શ્વાસ લીધી હતી. દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ઘટાડવા માટે સરકારે વાહનોને લઈને ઓડ-ઈવન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમને લઈને દિલ્હી-એનસીઆરના અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.