ઓડિશા સરકારે 26 જુલાઇ થી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો
- ઓડિશા સરકારનો મહત્વનો નિર્ણય
- ધો.10-12 ના વિદ્યાર્થીઓ માટે ખુલશે શાળા
- કોરોનાની ગાઈડલાઈન મુજબ વર્ગો થશે શરૂ
ભુવનેશ્વર:ઓડિશા સરકારે 26 જુલાઇથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સરકારી અને ખાનગી શાળાઓ બંને માટે લાગુ થશે.શનિવારે સ્કૂલ અને જન શિક્ષા વિભાગના મુખ્ય સચિવ સત્યબ્રત સાહુએ આ વાતની જાણકારી આપી હતી.તેમણે કહ્યું, અમે ઓનલાઇન શિક્ષણના માધ્યમથી કુલ વિદ્યાર્થીઓમાંથી ફક્ત 40 ટકા સુધી જ પહોંચી શક્યા છીએ, જયારે અન્ય 60 ટકા હજુ બાકી છે.
COVID-19 ના પ્રતિબંધોને કારણે રાજ્યમાં સ્કૂલના વિદ્યાર્થીઓને ભણતરમાં 150 દિવસનું નુકશાન થયું છે.ત્યારે હવે 26 જુલાઈથી દસમા અને બારમા વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકારી અને ખાનગી બંને શાળાઓ ફરીથી ખોલશે. વર્ગો સવારે 10.00 થી બપોરે 1.30 સુધી ચાલશે. આ સમય દરમિયાન લંચ બ્રેક પડશે નહીં. તેમણે કહ્યું કે, તમામ રવિવાર અને રજાના દિવસે શાળાઓ બંધ રહેશે.
સાહુએ જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો તરીકે જે શાળાઓનો ઉપયોગ કરવામાં આવશે તે પરીક્ષણો પૂરા થયા પછી ફરી શરૂ કરવામાં આવશે. COVID-19 માર્ગદર્શિકાના પાલનમાં વર્ગો ફરીથી શરૂ કરવા માટે સરકાર વિગતવાર એસઓપી જારી કરી રહી છે. જો કે, બધા વિદ્યાર્થીઓ માટે તે ફરજિયાત નથી. સચિવે કહ્યું કે જેઓ શારીરિક ધોરણે વર્ગોમાં ભાગ લેવા માંગતા હોય તેઓ શાળાઓમાં જઈ શકે છે.