ગાંધીનગરઃ રાજ્યમાં એર એમ્બ્યુલન્સ શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ માટે રાજ્ય સરકારે કેન્દ્રને દરખાસ્ત કરી છે. મુખ્યમંત્રીના જૂના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં ફેરવાશે. 108 દ્વારા મળતા કોલમાં કલાકનું ભાડું 50 હજાર, હોસ્પિટલો માટે 55 હજાર અને ખાનગી વ્યક્તિના કોલમાં એર એમ્બ્યુલન્સનું કલાકનું ભાડું 60 હજાર લેવાશે. તેમ રાજ્યના નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ગુજરાતમાં હવાઈ સુવિધાનો વ્યાપ વધે એ માટે ગુજરાતે વિવિધ માગણી કરી હતી. શહેરના સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ થઈ હતી, જેનો કોન્ટ્રેક્ટ પૂરો થતાં હવે નવેસરથી ટેન્ડર જારી કરાશે. આ સિવાય છ સ્થળે સી-પ્લેન સર્વિસ માટે સરવે કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતને બે સી-પ્લેન માટે આર્થિક સહાય મળે એ માટે રજૂઆત કરાઈ છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીથી સ્ટેચ્યૂ સુધી સવાર-સાંજ બે ફ્લાઇટ શરૂ કરાશે. જો કે સાબરમતીથી કેવડિયા સુધી અગાઉ શરૂ કરાયેલા સીપ્લેનને પુરતા મુસાફરો મળતા નહતા.હવે રાજ્યના આંતર શહેરો,તથા યાત્રાધામો વચ્ચે એરસેવા ચાલુ કરવાનું સરકાર વિચારી રહી છે. પરંતુ પુરતા મુસાફરો મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. ડીસા એર સ્ટ્રિપની જમીન સોંપણી માટે પણ દરખાસ્ત કરાઈ છે.
આ ઉપરાંત સાબરમતી હેલિપેડથી હેલિકોપ્ટરની જોય રાઇડ શરૂ કરવા માટે પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલાઈ છે. અમદાવાદ રન-વેના મરામતની કામગીરી 3 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ વાઇબ્રન્ટ સમિટને ધ્યાને લઈ આ કામગીરી 20 જાન્યુઆરી બાદ શરૂ કરવા રજૂઆત પણ કરાઈ છે.