ગુજરાત બોર્ડના ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા માટે ફોર્મ 30મી જુન સુધી ભરી શકાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયા બાદ એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો છે. પૂરક પરીક્ષા માટેના આવેદનપત્રો શાળાઓએ બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે. આવેદનપત્રો ભરવાની કાર્યવાહી તેમજ ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસમાં યોજાનારી ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્રો ભરવાની કાર્યવાહીનો સોમવારથી પ્રારંભ કરાયો છે. વિદ્યાર્થીઓ 30 જૂન સુધી ઓનલાઈન આવેદનપત્રો ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવેદનપત્રો ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાશે. જેમાં ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ વખતે એક વિષયમાં 23575 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાથી તેઓ પૂરક પરીક્ષા માટે લાયક બનશે.
ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022માં લેવામાં આવેલી પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થયેલા હોય અથવા તો એક વિષયમાં ગેરહાજર રહેલા હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા આવા પૂરક પરીક્ષાને લાયક હોય તેવા વિદ્યાર્થીઓની યાદી શાળાઓને પરિણામની સાથે મોકલી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ કે ગેરહાજર હોય અને પૂરક પરીક્ષા આપવા માંગતા હોય તેઓ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે.
પૂરક પરીક્ષા માટેના આવેદનપત્રો શાળાઓએ બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે. આવેદનપત્રો ભરવાની કાર્યવાહી તેમજ ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. શાળાઓને મોકલેલા એક વિષયમાં ગેરહાજર રહેલા અથવા નાપાસ થયેલા વિદ્યાર્થીઓની યાદી ફક્ત શાળાઓની જાણ માટે છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તેમના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. આવેદનપત્રો રૂબરૂ કે ટપાલના માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં. પૂરક પરીક્ષા માટેના આવેદનપત્રો 20 જૂન એટલે કે સોમવારના રોજ બપોરના 2 વાગ્યાથી ભરવાનું શરૂ કરાયું છે અને 30 જૂનના સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરી શકાશે.