Site icon Revoi.in

GTUના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન, 15મી જુલાઈ સુધી કરાવી શકાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિવિધ કોર્સમાં એડમિશન મેળવવું દરેક વિદ્યાર્થીની પ્રથમ પસંદગી રહેતી હોય છે. જીટીયુ દ્વારા પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની માહિતી ઘરે બેઠાં મળી રહે અને પ્રવેશ પ્રકિયા સરળતાથી થઈ શકે તે અર્થે, તાજેતરમાં જીટીયુ એડમિશન પોર્ટ્લ વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ શરૂ કરાયો છે, જેમાં વિદ્યાર્થીઓ ફાર્મા.ડી. , ઈન્ટીગ્રેટેડ એમબીએ અને એમસીએ , એમબીએ પાર્ટ ટાઈમ , ડિપ્લોમા ઈન વોકેશનલ અને બેચલર ઈન વોકેશનલ , બેચલર ઓફ ડિઝાઈન, ઈન્ટીગ્રેટેડ એમએસસી આઈટી , બેચલર ઈન ઈન્ટીરીયલ ડિઝાઈન જેવા વિવિધ કોર્સ માટે શૈક્ષણિક વર્ષ 2022-23માં પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓ www.admission.gtu.ac.in વેબસાઈટ પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન તારીખ 15 જુલાઈ 2022 સુધી કરાવી શકશે. જે-તે કોર્સ સંબંધિત પ્રવેશ અર્થે વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાત તેમજ યોગ્યતાના ધોરણો જીટીયુની વેબસાઈટ પર દર્શાવવામાં આવેલા છે. આ ઉપરાંત અન્ય કોઈ સમસ્યા અર્થે કાર્યાલય સમય દરમિયાન 079 23267578 / 609 / 558 નંબર પર સંપર્ક સાધી શકશે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ મેળવીને તેમના ઉજ્જવળ ભવિષ્યમાં ગતિશીલ રહેવા માટે શુભકામના પાઠવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં ઈજનેરી સિવાય પણ વિવિધ અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ તરત રોજગારી મળી રહે તેમજ સમયની માગ મુજબ નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.