કોરોનાના કપરા કાળમાં અન્ય લોકોની પીડાને પોતાની પીડા સમજે એ જ સાચો માનવીઃ રાજ્યપાલ
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “કોરોના સેવા યજ્ઞ” અંતર્ગત રાજભવન ખાતેથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ માટેની 10 હજાર કીટની બીજા તબક્કાની સહાયને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે સમાજ શ્રેષ્ઠીઓના સહયોગને કોરોના સંક્રમણ સામેના સરકારના જંગમાં મહત્વરૂપ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે સમાજ શક્તિને જોડીને કોરોના સંક્રમણ સામે ગુજરાતે જંગ છેડ્યો છે ત્યારે પ્રત્યેક નાગરિક “કોરોના સેવા યજ્ઞ”માં જોડાઈને સહયોગ આપે.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સામે બે મોરચે લડવાનું છે એક તો લાપરવાહી છોડીને કોરોના યોગ્ય વ્યવહાર અપનાવી નિયમોનું ચુસ્ત પાલન કરવું અને બીજું રસીકરણથી માંડીને જરૂરિયાતમંદ લોકોની સેવા-સુશ્રુષાના સામૂહિક પ્રયાસો કરવા પડશે. તેમણે જણાવ્યું હતું કે સંક્રમણના કપરા કાળમાં અન્ય લોકોની પીડાને પોતાની પીડા સમજે એ જ સાચો માનવી છે, સંપત્તિનો સમાજકાર્ય માટે ઉપયોગ કરનારા જ મહાન કહેવાય છે.
રાજ્યપાલએ યુવા અનસ્ટોપેબલના સહયોગથી એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રાશન અને જીવન ઉપયોગી વસ્તુઓની કીટ પહોંચાડવાના રાજભવન દ્વારા શરૂ કરાયેલા “કોરોના સેવા યજ્ઞ”ની માહિતી આપી યુવા અનસ્ટોપેબલના સંસ્થાપક અમિતાભ શાહ તેમજ સહયોગી દાતાશ્રેષ્ઠીઓનું સન્માન કરી તેમના સમાજ કાર્યને બિરદાવ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ સામે ગુજરાતે અપનાવેલા બહુકોણીય જંગ વિશે માહિતી આપી જણાવ્યું હતું કે, નિરાશા નહીં, ડર નહીં પરંતુ સચેત બનીને જનશક્તિના સામર્થ્યથી કોરોના સંક્રમણ સામે ગુજરાત સરકારે વિજયનો નિર્ધાર કર્યો છે. “હારશે કોરોના, જીતશે ગુજરાત”ના વિજયનાદ સાથે હોસ્પિટલમાં બેડની, દવાની, ઇન્જેકશનની, ઑક્સીજનની કે માનવબળથી માંડીને કોઈપણ સંસાધનોની અછત નહીં પરંતુ સંસાધનોના અસરકારક ઉપયોગ અને વ્યથા નહીં, વ્યવસ્થાના મંત્ર સાથે રાજ્ય સરકારે કોરોના સામે જંગ છેડ્યો છે.