Site icon Revoi.in

વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે પણ હજુ પૂર્ણ થયુ નથી

Social Share

વડોદરા:  શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સાડા ત્રણ કિ.મી ઓવરબ્રિજનું કામ વર્ષ 21017થી ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કે, ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી. હવે તો સત્તાધારી ભાજપ પક્ષના ધારાસભ્યએ પણ બ્રીજનું કામ સત્વરે પૂર્ણ કરવાની માગ કરી છે.

વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે. કારણ કે શહેરમાં રાજ્યનો સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ છેલ્લા 5 વર્ષથી બની રહ્યો છે, જેનું કામ આજે પણ અધૂરું છે. જેને લઇ હવે ભાજપના ધારાસભ્ય જ અવાજ ઉઠાવી રહ્યા છે. વડોદરા મ્યુનિ.  કોર્પોરેશને વર્ષ 2017ના જૂન માસમાં ઓવરબ્રિજ બનાવવાની કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી હતી. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટરનો 222 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે. જેના તમામ નાણાં રાજ્ય સરકારે આપવાની જાહેરાત કરી હતી. એપ્રિલ 2020માં બ્રીજની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા હતી પણ આજે વર્ષ 2022 પણ પૂરું થવા આવ્યું છતાં બ્રિજની કામગીરી અધુરી છે. જેને લઈ ભાજપના ધારાસભ્યો જ હવે અવાજ ઉઠાવી રહ્યા છે.  ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ બ્રીજની કામગીરી ખૂબ ધીમીગતિએ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો,

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સમયસર નાણાંની ફાળવણી કરવામાં આવી ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. શહેરના મેયર કેયુર રોકડીયાએ પણ રાજ્ય સરકારે બ્રિજ માટે સમયસર નાણાં ન આપતા કામગીરીમાં મોડું થયું હોવાની વાત કરી હતી. તેમજ આગામી અઢી મહિનામાં બ્રિજ બનીને તૈયાર હશે તેવો પણ દાવો કર્યો હતો.

રાજ્યના સૌથી લાંબા ઓવરબ્રિજ માટે રાજ્ય સરકારે તમામ 222 કરોડ આપવાની જાહેરાત તો કરી હતી. પણ નાણાં હજુ ફાળવ્યા નથી,  જેથી મ્યુનિ. કોર્પોરેશનને પોતાની સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 46 કરોડ રૂપિયા બ્રિજ પાછળ ફાળવ્યા હતા. તેમજ કોન્ટ્રાકટરને અત્યારસુધી 164 કરોડ રૂપિયાની જ ચૂકવણી થઈ છે. તાજેતરમાં રાજ્ય સરકારે બ્રિજ માટે 100 કરોડ ફાળવ્યા હતા, છતાં કામગીરી ધીમી ચાલી રહી છે. મ્યુનિના વિપક્ષ નેતા અમીબેન રાવતે આક્ષેપ કર્યો હતો કે, 6 મહિના સુધી બ્રિજ બને તેવા કોઈ અણસાર દેખાતો નથી. તેમજ મ્યુનિ.એ જે 54 કરોડ પોતાની તિજોરીમાંથી બ્રિજ પાછળ ખર્ચ્યા તે સરકારમાંથી પરત લેવા જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને સુરતમાં 5 વર્ષમાં કેટલાય બ્રિજ બનીને તૈયાર થઈ ગયા જેનો લોકો ઉપયોગ પણ કરવા લાગ્યા છે, પણ વડોદરા મ્યુનિ.ના અણધડ વહીવટ અને બ્રીજની ડિઝાઇનમાં ખામીના કારણે રાજ્યનો સૌથી લાંબો ઓવરબ્રિજ હજી સુધી બનવાની રાહ જોઈ રહ્યો છે, ત્યારે શું વિધાનસભા ચૂંટણી પહેલાં બ્રિજ બનશે કે હજી લોકોને રાહ જોવી પડશે તે આગામી સમયમાં ખબર પડશે.