Site icon Revoi.in

ગાંધીધામમાં ટાગોર રોડ પરના ઓવરબ્રિજનું એલ્ટિમેટમ અપાયા બાદ આખરે લોકાર્પણ કરાયુ

Social Share

ગાંધીધામઃ  શહેરના હાર્દસમા ટાગોર રોડ પરના ઓવરબ્રિજનું ઘણા બધા વિવાદો પછી આજે મંગળવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં ઓવર બ્રિજને  સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો 1.4 કિલોમીટર લાંબો અને 32 કરોડના ખર્ચથી તૈયાર થયેલો આ બ્રિજ ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ ખુલ્લો ન મુકતા હતા વિવાદો ઊભો થયો હતો.

ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીધામ ખાતે 32 કરોડના ખર્ચે ‘કન્સ્ટ્રકશન ઓફ ફલાય ઓવર ઓન ગાંધીધામ-આદિપુર (ટાગોર) રોડ’ નું ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા કાઉન્સિલર, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીધામનો આ નવનિર્મિત ઓવરબ્રિજ અનેક વખત વિવાદમાં આવ્યો હતો. જેમાં તેનું બાંધકામ પણ અટક્યું હતું,  બ્રિજના લોકાર્પણમાં વિલંબ થતા કોંગ્રેસ અને ગાંધીધામ બાર એસોસિયેશન દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો.  અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા આ બ્રિજને ખુલ્લો મુકાતા રાજકારણ ગરમાયુ હતું. જોકે બે દિવસ અગાઉ બાર એસોસિએશન દ્વારા કોઈપણ કારણ વગર આ બ્રિજને ખુલ્લો ના મુકતા 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમથી પ્રશાસન અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટી હરકતમાં આવી ગઈ હતી અને ખૂબ જ ટૂંકી નોટિસમાં કોઈપણ મોટા નેતાની ગેરહાજરીમાં બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 32 કરોડના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે. કચ્છની આર્થિક પાટનગર કે જ્યાં પરપ્રાંતિય લોકોની સાથે પચરંગી પ્રજા વસે છે. વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાયઓવર બ્રિજ બનવાથી આદિપુર- ગાંધીધામ શહેર તેમજ દિનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે.