ગાંધીનગરઃ રાજ્યના ગામડાંઓમાં વસવાટ કરતા માલધારીઓના સીમ વિસ્તોરોમાં વર્ષોથી વાડાઓ આવેલા છે. આ વાડાઓનો માલીકી હક્ક માલધારીઓને આપવાનું સરકાર વિચારી રહી છે. વાડાઓના માલીકી હક્ક અપાશે તો 70 લાખથી વધુ પશુપાલકો અને માલધારીઓને ફાયદો થશે. 54 વર્ષ અગાઉનો વિવાદાસ્પદ પ્રશ્ન ઉકેલીને પશુપાલકો – માલધારીઓની મોટી સમસ્યા સરકારે હલ કરવા સરકાર વિચારી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ગામડાંઓમાં વસવાટ કરતા લાખો પશુપાલકો સીમ વિસ્તારમાં એટલે કે ગામની નજીક ખરાબાની કે ગૌચરની જમીનમાં વાડા બાંધીને પશુઓની દેખભાળ કરી રહ્યા છે. પશુપાલકો વર્ષોથી વાડાઓના માલીકી હક્ક આપવાની માગણી કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ 54 વર્ષ જૂના આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે. આ અંગે ભાજપ સંગઠનના માલધારી સેલના પ્રદેશ અગ્રણીએ જણાવ્યું હતું કે સરકાર જો આ પ્રશ્નોનું નિરાકરણ લાવે તો માલધારીઓ સીમતળની જમીન પર વસવાટ પણ કરી શકશે અને પશુઓને સાચવી શકશે અને પરિવારનું ગુજરાન પણ ચલાવી શકશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017માં રાજ્ય સરકારના મહેસૂલી વિભાગે ગામતળમાં આવેલા વાડાઓને માલિકી હક આપવામાં આવ્યો હતો. જોકે સીમતળમાં આવેલા વાડાનો માલિકી હક આપવાનો નિર્ણય પડતર હતો ત્યારે હવે રાજ્ય સરકારને મળેલી રજૂઆત આધારે સરકાર સીમતળ વાડાઓને પણ કાયદેસર માલિકી હક મળે એ માટે નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરશે. વર્ષ 2017ની ચૂંટણીમાં ગામતળની જમીન અંગે સરકારે નિર્ણય લઈને માલધારીઓને રીઝવ્યા હતા ત્યારે હવે વર્ષ 2022ની ચૂંટણી અગાઉ ફરીથી એક વખત સીમતળ મુદ્દે નિર્ણય લઈને માલધારીઓને સંતોષવા સરકાર પ્રયાસ કરી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઢોર નિયંત્રણ બિલ લાવ્યા બાદ જે રીતે માલધારી સમાજનો રોષ ભભૂકી ઊઠ્યો હતો ત્યારે સરકારને નાછૂટકે આ બિલ રદ કરવાની ફરજ પડી હતી. સરકારનું માનવું છે કે સીમતળના વિવાદ ઉકેલીને માલધારીઓને રીઝવી શકાશે. સરકારના નિર્ણય પ્રમાણે અને વાડા સંહિતા મુજબ 1968 પહેલાં જે પશુપાલકોએ પોતાનાં પશુઓને ગામથી દૂર રાખવા માટે જમીન મેળવી હશે અને જે-તે સમયે જમીનની નોંધ મામલતદાર કક્ષાએ કરાવી હશે એવા પશુપાલકોને વાડાનો કાયદેસરનો હક મળશે. વર્ષ 1968 બાદ જે પશુપાલકોએ વાડાની નોંધ મામલતદારમાં કરાવી હશે તેમને આ નિર્ણયનો લાભ નહિ મળે. વાડા માટે જે વ્યક્તિએ 1968 પહેલા નોંધણી કરાવી હોય પરંતુ તે વ્યક્તિ હયાત ન હોય તો તે વ્યક્તિ સિવાયના વારસદાર કે દાવેદારે દાવો કરવો પડશે. દાવા અન્વયે મામલતદાર ચકાસણી કરશે અને મામલતદારના હુકમને આધારે તે વાડાં માટે હકદાર માનવામાં આવશે.