ભારત સામે ‘કાળી પટ્ટી’ બાંધીને રમવા ઉતરશે પાકિસ્તાનની ટીમ
મુંબઈ:એશિયા કપ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે, પાકિસ્તાનની ટીમ ભારત સામે કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) એક સત્તાવાર નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં આજે પોતાની પહેલી મેચ ભારતીય ટીમ સામે રમશે. આ મેચમાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરશે. પાકિસ્તાનમાં આવી પડેલી વરસાદી આફતથી સર્જાયેલી તબાહીના કારણે પાક. ટીમના ખેલાડીઓ પુર અસરગ્રસ્ત લોકોના સમર્થન માટે કાળી પટ્ટી બાંધશે.
પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આવેલા પુરને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું કે, પુર અસરગ્રસ્ત લોકોને મદદ મળે તે માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી હતી. બાબરે કહ્યું હતું કે, અમારા દેશ માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. અમે બધા પુર અસરગ્રસ્ત લોકો માટે દુઆ કરી રહ્યા છીએ.