Site icon Revoi.in

ગાંધીનગરના બાયપાસ તરીકે ઉપયોગમાં લેવાતા પાલજ-બાસણ-શાહપૂર રોડનું મજબૂતીકરણ કરાશે

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગરના બાયપાસ રોડ તરીકે ઉપયોગમાં લેવાતા પાલજ-બાસણ-શાહપૂર રોડના મજબૂતીકરણ માટે ર૪.૪૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.  આ પાલજ-બાસણ-શાહપૂર માર્ગ પર ભારે વાહનોનો ટ્રાફિક રહે છે તે સંદર્ભમાં આ માર્ગના મજબૂતીકરણ માટેની દરખાસ્ત માર્ગ-મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગ-મકાન વિભાગનો હવાલો પણ ધરાવે છે અને તેમણે રૂ. ર૪.૪૭ કરોડની દરખાસ્તને અનુમોદન આપતાં આ માર્ગના મજબૂતીકરણનું કામ હવે હાથ ધરી શકાશે. આ રસ્તાનું મજબૂતીકરણ થવાને પરિણામે પાલજ-બાસણ જેવા ગાંધીનગર સાથે જોડાયેલા ગામો તેમજ આઇ.આઇ.ટી ગાંધીનગર માટે સુવિધાયુકત કનેક્ટિવીટી ઉપલબ્ધ થશે. એટલું જ નહિ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓ તરફથી આવતા વાહનોને ગિફટ સિટી જવા માટે તથા ગાંધીનગર બાયપાસ કરવા માટે સરળ અને સારો રસ્તો મળશે.

ગુજરાતમાં રોડ-રસ્તાઓના વિકાસના કામો માટે વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના 919 કિ.મી. લંબાઇના 94  માર્ગોના વિકાસ માટે રૂ.2213.60 કરોડ મંજૂર કર્યા છે. આ રકમમાંથી (1) મેટ્રો શહેરોને જોડતા આઠ માર્ગોને પહોળા કરવા માર્ગ સુધારણા માટે 247 કરોડ ફાળવાશે (2) બંદરો અને ઔદ્યોગિક વિસ્તારોને જોડતા માર્ગો ફોર લેન કરવા માટે રૂ. 147 કરોડ (3) ટૂરિઝમ સર્કિટને જોડતા માર્ગો 10 મીટર પહોળા કરવા રૂ.105  કરોડ (4) માર્ગોને વધુ ટકાઉ અને સક્ષમ બનાવવા અદ્યતન વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજી દ્વારા 3 સ્ટેટ હાઇવેની કામગીરી માટે રૂ. 66 કરોડ ફાળવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં બંદરો, ઔદ્યોગિક કેન્દ્રો, મહાનગરો, પ્રવાસન સ્થળોને જોડતા સ્ટેટ હાઇવેઝને ફોરલેન, 10 મીટર પહોળા માર્ગનું મજબૂતીકરણ, પુલો, બાયપાસ સહિતના 94 કામો માટે આ રકમ મંજૂર કરાઈ છે. આ વર્ષના બજેટમાં જાહેર કરાયેલી પરિક્રમા પથ યોજના હેઠળ 17 જિલ્લામાંથી પસાર થતા 37 રસ્તાની 289.32  કિ.મી. લંબાઇને 10 મીટર પહોળી કરવા માટે 467.09 કરોડના કામો મંજૂર કર્યા છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, આણંદ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પરિક્રમા પથ યોજનાની કામગીરી માર્ગ-મકાન વિભાગ હાથ ધરશે.

મુખ્યમંત્રીએ, રાજ્યના સુરત, રાજકોટ અને ગાંધીનગર જેવા મેટ્રો શહેરોને જોડતા 8 રસ્તાની 117.71  કિ.મી. લંબાઇના માર્ગો પહોળા કરવા, માર્ગ સુધારણા માટે રૂ.247.35 કરોડ મંજૂર કર્યા છે. મુન્દ્રા, દહેજ પોર્ટ, સાવલી, ઝઘડિયા ઇન્ડસ્ટ્રિયલ એરિયાને જોડતા 10 રસ્તાની 177.50  કિ.મી. લંબાઇના ફોરલેન તથા 10 મીટર પહોળા કરવા માટે 146.81 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વડનગર, પાવાગઢ, ધરોઇ-અંબાજી, જાંબુઘોડા, સાસણગીર અને સોમનાથની ટૂરિસ્ટ સર્કિટને જોડતા 10 માર્ગોની 142.46  કિ.મી. લંબાઇને 10 મીટર પહોળા કરવા માટે 105.28 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. રાજ્યમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં હયાત રસ્તાને વધુ પહોળા કરવા, નવા પુલો, ફલાય ઓવરનું નિર્માણ તથા ટ્રાફિકનું ભારણ હળવું કરવા શહેરોના બાયપાસ રોડ બનાવવાની કામગીરી સહિતના રોડ નેટવર્કને વિસ્તારવામાં આવી રહ્યું છે.

વાપી, વલસાડ, રાધનપુર, અમરેલી, લુણાવાડા, સંતરામપુર, લૂણી તથા મોટા કાંડાગરા જેવા સ્થળોએ શહેરોના બાયપાસ રોડની કામગીરી માટે જમીન સંપાદન, બાંધકામ માટે રૂ. 158.15 કરોડ, ડૂબાઉ પુલના સ્થાને હાઇ લેવલ પુલ, પુલના મજબૂતીકરણ, રસ્તા પહોળા કરવાના કામો માટે પણ 112.07  કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.

રાજ્ય સરકારે  મંજૂર કરેલા રૂ. 445.25  કરોડમાંથી સુરેન્દ્રનગર, અમરેલી, ખેડા જિલ્લામાંથી પસાર થતા 3 રસ્તાની 71.73  કિ.મી. લંબાઇને પ્રગતિ પથ યોજના હેઠળ ફોરલેન કરાશે. આ ઉપરાંત મહેસાણા-પાલનપુર સિક્સલેન રોડને હાઇસ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે. આ માટે ફલાય ઓવર, વી.યુ.પી. અને પુના નિર્માણ માટે 465  કરોડ રૂપિયા ખર્ચાશે. (file photo)