હાલોલ : પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પંથકમાં દીપડાની દહેશત યથાવત છે. આ પંથકમાં અવારનવાર દીપડાઓ મનુષ્યો પર હુમલો કરતા હોય છે. તાજેતરમાં 9 વર્ષના કિશોર પર દીપડાએ હુમલો કર્યો હતો. આખરે વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરૂ મુકતા આખરે દીપડો પાંજરે પૂરાયો હતો. દીપડાએ છેલ્લા ચાર દિવસમાં ઉપરાઉપરી બે હુમલા કર્યાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પંચમહાલના ઘોઘંબાના ગોયાસુંડલ ગામે તાજેતરમાં દીપડાએ કિશોર પર હુમલો કર્યો હતો. તરવારીયા ફળિયાનો 9 વર્ષીય કિશોર લઘુશંકા કરી તેના ભાઈ સાથે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. જોકે, ઘટના સ્થળે ઉપસ્થિત વન વિભાગ ના વોચમેને દીપડાને પડાકાર્યો હતો. તેથી દીપડો કિશોરને છોડી ભાગ્યો હતો. દીપડાના હુમલામાં કિશોર ઈજાગ્રસ્ત બન્યો હતો. ઈજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો હતો. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાએ બે કિશોરને મોતને ઘાટ ઉતાર્યા હતા. ફરી દીપડાનો આતંક વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતા.
આ વિસ્તારમાં દીપડાએ છેલ્લા ચાર દિવસમાં ઉપરાઉપરી બે હુમલા કર્યા હતા. હુમલો કરનારા દીપડા પૈકી એક દીપડો પાંજરે પૂરાયો છે. હાલ વનવિભાગ દ્વારા પકડાયેલા દીપડાને ધોબીકુવા રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડાયો છે. રવિવારે આ દીપડાએ વાવકુલ્લી ગામે 6 વર્ષીય બાળકી પર હુમલો કર્યો હતો. જ્યારે બીજો હુમલો તેણે ગોયાસુંદલ ગામે 9 વર્ષીય કિશોર પર કર્યો હતો. બંને હુમલામાં દીપડાએ માસુમોને જ નિશાન બનાવ્યા હતા. ગત વર્ષે થયેલા દીપડાના હુમલાઓમાં પણ બાળકો જ શિકાર બન્યા હતા. બે બાળકોના મોત થયા હતા.