નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સંસદના સત્રની શરૂઆત પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. આ સર્વપક્ષીય બેઠક આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગ, નવી દિલ્હીમાં યોજાશે. સંસદનું સત્ર 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ શકે છે. કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
ભારતમાં ચાલુ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. લોકસભા ચૂંટણી પૂર્વે આ મોદી સરકારનું આ અંતિમ બજેટ છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. સંસદનું આ બજેટ સત્ર ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. તેમજ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. જેથી આ બજેટ સત્ર તોફાની રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.