Site icon Revoi.in

અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં હવે 108 એમ્બ્યુલન્સ વિના પણ દર્દીને કરાશે દાખલ

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોના કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ કોવિડ હોસ્પિટલમાં માત્ર 108 મારફતે આવતા દર્દીઓને જ સારવાર અર્થે દાખલ કરવામાં આવતા હતા. આ નિયમમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલમાં હવે મનપાના ક્વોટામાં દાખલ થવા માટે હવે રેફરન્સની જરૂર નહીં પડે. આ ઉપરાંત શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં 75 ટકા બેડ કોવિડના દર્દીઓ માટે અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસને લઈને મનપાના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં હતા. શહેરની તમામ ખાનગી હોસ્પિટલોએ કુલ બેડમાંથી 75 ટકા બેડ કોરોનાના દર્દી માટે રાખવા પડશે. જ્યારે બાકીના 25 ટકા બેડ અન્ય બિમારી ધરાવનારા દર્દી માટે અનામત રાખવા પડશે. આમ શહેરમાં વધુ 1000 બેડની ક્ષમતા વધશે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીના આધારકાર્ડની જરૂર નહીં પડે. દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિસપ્લે બોર્ડ રાખવુ પડશે અને તેમાં હોસ્પિટલમા ઉપલબ્ધ બેડની સ્થિતિ રિયલ ટાઈમ અપડેટ કરતા રહેવું પડશે.

અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે હવે 108 રેફરન્સની જરૂર નહીં હોવાના નિર્ણયથી કોરોના પીડિતો અને તેમના પરિવારજનોને રાહત મળશે. આ ઉપરાંત હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધતા દર્દીઓના પરિવારજનો મોટી રાહત મળશે.