અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું આજે રાત્રે 8 વાગ્યે પોરબંદર, વેરાવળના સાગરકાંઠે ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બપોરથી જ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ભારે પવનને કારણે મંડપ ઊડી ગયા હતા. પડધરી વિસ્તારમાં પણ ભારે પવનને કારણે અનેક વીજ પોલ ઘરાશાયી થયા હોવાના વાવડ મળ્યા છે. અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે.
તાઉ-તે વાવાઝોડાના પગલે રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં ધૂળની ડમરીઓ ઊડી હતી અને એકદમથી પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. પવનની ગતિ 80 કિ.મી. પ્રતિ કલાકની હતી અને પાંચ મિનિટ પૂરતો ફૂંકાયો હતો પણ માત્ર 5 મિનિટના પવનને કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જે જગ્યાએ ભોજન પીરસવાનું હોય છે. એ મંડપ તૂટીને ધરાશાય થયા હતો. વાવાઝોડાની અસરને પગલે શહેરની એસટી બસ પોર્ટ અને દરિયાકાંઠાના બસ રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટી ચણોલ અને પડધરી તાલુકાના ગામોમાં વાવઝોડાને પગલે વીજપોલ ધરાશાયી થયા છે.
તેમાંય મોટી ચણોલ ગામે તો વીજપુરવઠો ગઈકાલ રાતથી ખોરવાય ગયો છે. હાલ આટકોટમાં તાઉ-તે વાવાઝોડુંની અસર ગત સાંજથી દેખાય રહી છે, જેને પગલે ધુળની ડમરી સાથે મીની વાવાઝોડું ફુંકાયું હતું. જેનાથી આકાશમાં થતાં વિજળીના ચમકારા થતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. થોડી વાર બાદ પવન હળવો થતાં રાહત મળી હતી પરંતુ આજે સવારે ફરી વરસાદી છાટા પડયા હતા. જેમાં જસદણ રોડ પર આવેલી દુકાનોના બોર્ડ ભારે પવન ફૂંકાતા ઉડી ગયા હતાં. પરંતુ કોઈ મોટી જામહાની થઈ ન હતી. હાલ ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. ઉનાળું પાક તલ, મગફળી, અને મગને આ વાવાઝોડાથી નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.