વેરાવળ : સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મંદિરના ગર્ભગૃહ સહિતના અનેક ભાગોને સુવર્ણ મઢીત કરાયા છે. ત્યારે હવે મંદિરના ટોચના શિખરને સુવર્ણ મઢીત કરવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના શીખર સમાન ટોચને સુવર્ણ મઢીત કરવાની યોજના સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં મંદિર દરિયા કિનારે હોવાથી કઇ રીતે આ કામગીરી શકય બને તે માટે જરૂરી વિચારણા કરવામાં આવી હતી. જેમાં આ સુવર્ણની કામગીરી કરવા માટે કોન્ટ્રાકટ આપવા એકપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) ઈચ્છુકો પાસેથી અરજી મંગાવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી અરજી ઓનલાઈન જમા કરાવી શકાશે. મંદિર સમુદ્રના કિનારે જ હોવાથી આ બાબતે વધુ તકેદારી રાખવી પડશે, મંદિરના શિખરની ઉંચાઈ અંદાજે 10 ફૂટ હશે તેમજ ઈઓઆઈ જમા કરાવ્યા બાદ જે તે ઇચ્છુકો સર્વે કરી શિખરને સુવર્ણ મઢવાની કામગીરી કંઇ રીતે થશે, કેટલી ટકાઉ હશે, તેમાં સોના ઉપરાંત શું શું ઉપયોગ કરવાની જરૂરીયાત રહેશે, કેટલા કિલો સોનાની જરૂરિયાત પડશે. તેવી બાબતોનું તારણ કાઢવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સોમનાથ મંદિરના શિખર પર અન્ય ધાતુઓ લગાવવામાં આવે તો તેને કાટ લાગવાની શકયતા વધુ રહેશે જ્યારે કિંમતી ધાતુ સોનાને એ બાબતનું જોખમ ઘણું ઓછું રહે છે. શિખરને સુવર્ણ મઢીત કરવાની યોજના માટે દેશભરમાંથી શિવભકતોને ભાગીદારી માટે આમંત્રિત કરવામાં આવશે. આ પ્રોજેકટ હાથમાં લેનાર જે કોઇએ પણ કામગીરી પૂર્ણ કર્યા બાદ 10 વર્ષ સુઘી મેન્ટેનન્સની જવાબદારી નિભાવવાની રહેશે.
અત્રે નોંધનીય છે કે, ભુતકાળમાં સોમનાથ મંદિર સોનાનું હોવાનું ઇતિહાસમાં અંકાયેલુ છે. ત્યારે ફરી સોમનાથ મંદિર સુવર્ણનું બને તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ તબકકાવાર કામગીરી કરી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સ્થંભ, દરવાજા, શિવલીંગનું થાળુ, શિખર પરની ઘ્વજા, કળશ, ડમરૂ સહિત 100 કિલોથી વઘુ સોનાથી સુવર્ણ મઢીત થઇ ચુક્યુ છે. જ્યારે હાલ મંદિરના નૃત્ય મંડપના શિખર પરના કળશોને સુવર્ણ મઢીત કરવાની યોજના ચાલી રહી છે. જેમાં ઘણા કળશો દાતાઓના સહયોગરૂપી દાનથી સુવર્ણ મઢીત થઇ જતા ફીટ કરવામાં આવ્યા છે.