દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લોકો પ્રદુષણનો સામનો કરી રહ્યાં છે. દિલ્હી સરકાર પણ પ્રદુષણમાં ઘટાડો થાય તે માટે પ્રવાસ કરી રહી છે. હવે દિલ્હીવાસીઓને આગામી દિવસોમાં શુદ્ધ હવા મળી રહેશે. દેશનું પ્રથમ સ્મોગ ટાવરનું હાલ દિલ્હીમાં નિર્માણ થઈ રહ્યું છે. દિલ્હીને પ્રદુષણથી બચાવવા માટે આનંદ વિહાર બસ સ્ટેન્ડ પાસે 24 મીટર ઉંચો એન્ટી સ્મોલ ટાવર આકાર લઈ રહ્યો છે. આ ટાવર લગભગ 22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. તેમજ એક કિમીની ત્રિજીયામાં 90 ટકા સુધી હવાને શુધ્ધ કરશે.
નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ, આવા એન્ટી સ્મોગ ટાવર અમેરિકામાં બનાવવામાં આવે છે. આ ટાવર બનાવવાની ડિઝાઇન મિનેસોટા યુનિવર્સિટીમાંથી લેવામાં આવી છે. આ ટાવર ભારતીય પરિસ્થિતિ અનુસાર તેની ડિઝાઇનને અનુરૂપ બનાવીને બનાવવામાં આવ્યો છે. ડિઝાઇન માટે મિનેસોટા યુનિવર્સિટીને રોયલ્ટી ચૂકવવામાં આવી છે. સ્મોગ ટાવરનું કામ 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. બીજી તરફ નિષ્ણાતો તેનો અભ્યાસ કરશે અને યોગ્ય પરિણામો મળ્યા પછી, દિલ્હીનાં અલગ-અલગ સ્થળોએ આવા વધુ સ્મોગ ટાવર લગાવવામાં આવશે. આનો ઉદ્દેશ દિલ્હીનાં લોકોને શુદ્ધ હવા આપવાનો છે. એન્ટી સ્મોગ ટાવરમાં લગભગ 40 પંખા ટાવરની ટોચ ઉપરથી પ્રતિ સેકન્ડ 960 ઘન મીટર દુષિત હવાને શુદ્ધ કરાશે. આ પંખા ટાવરની ટોચ પરથી પ્રતિ સેકન્ડ 960 ઘન મીટર દૂષિત હવા ખેંચશે. આ પંખા 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને હવાને શુદ્ધ કરીને બહાર ફેંકી દેશે. નોવેલ જ્યોમેટ્રી ફિલ્ટરેશન સિસ્ટમમાં પંખાની આસપાસ બે પ્રકારનાં દસ હજાર ફિલ્ટર લાગશે. તેની પાસેથી ફિલ્ટર કર્યા બાદ દૂષિત હવા શુદ્ધ થશે.