અમદાવાદઃ શહેરના નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા માટે આજે ગુરૂવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેનો પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે એકઠા થયા હતા. અને સ્થાનિક લોકોનો આક્રોશને પગલે તંત્ર દ્વારા મેગા ડિમોલેશનનો કાર્યક્રમ પડતો મુકવામાં આવ્યો હતો. જો કે અધિકારીઓના કહેવા મુજબ ડિમોલેશનનો કાર્યક્રમ કામચલાઉ મુલત્વી રાખવામાં આવ્યો છે. હવે કયા દિવસે ડિમોલેશન કરાશે. તેની કોઈ તારીખ આપવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતમાં અનેક મિલ્કતોની કપાત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ વિસ્તારના મુખ્ય રોડને પહોળો કરવો એટલો જ જરૂરી છે. કારણ કે આ રોડ પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. આ વિસ્તારના રોડ પરના માકાનધારકોએ દુકોનો બનાવી દીધી છે. અને દુકાનો બહાર વાહનો પાર્ક કરાતા હોવાથી રોડ સાંકડો થઈ ગયો છે. એટલે રોડની બન્ને તરફ કપાત કરવી પડે તો જ રોડને પહોળો બનાવી શકાય તેમ છે. દરમિયાન આજે ગુરૂવારે સવારે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગના અધિકારીઓ બુલ ડોઝર, જેસીબી, સહિતના વાહનો લઈને આવ્યા હતા. અને પોલીસના સઘન બંદોબસ્ત સાથે રોડની બન્ને સાઈડ કપાતની કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલા જ સ્થાનિક રહિશોના આક્રોશને લીધે ઉપરથી રૂકજાવનો આદેશ છૂટ્યો હતો. તંત્ર દ્વારા નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના રોડ કપાતનું મેગા ડિમોલેશન આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. એલ. વડુકરે જણાવ્યું હતું કે, આજે નારણપુરા મેગા ડીમોલેશન માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. પરંતુ આજના દિવસ પૂરતું તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી કયા દિવસે હવે અમલીકરણ કરવામાં આવશે તેની કોઈ તારીખ આપવામાં આવી નથી આજે રોડ કપાતના અમલીકરણને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇએ આવી અને સ્થાનિક લોકોને જાણ કરી હતી. જેને લઇ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. લોકોએ ઢોલ અને ખંજરી વગાડી અને ખુશી વ્યક્ત કરી હતી. એક દિવસ પૂરતું બંધ રાખવાના નિર્ણય બાદ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આજે માત્ર એક દિવસ પૂરતું ડિમોલેશન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પરંતુ કાયમી આ ડિમોલેશન ન કરવામાં આવે તેના માટેની અમારી લડત ચાલુ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ નારણપુરામાં સ્થાનિક લોકોના વિરોધ બાદ આજે ભાજપના નેતાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ નમતું જોખવાની ફરજ પડી છે. ગઈકાલ રાત સુધી ભાજપના સ્થાનિક નેતાઓ, કોર્પોરેટરો, રોડ કપાતના અમલીકરણ માટે મક્કમ હતા. કોઈપણ સંજોગોમાં આ રોડ કપાત કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આજે સવારે જો રોડ કપાત થશે તો મોટો વિવાદ ઊભો થાય તેવા ડરના કારણે હાલ પૂરતું એક દિવસ માટે આ ડિમોલેશન રોકવાનો નિર્ણય લીધો છે.