અમદાવાદઃ ગુજરાતમાં પીવાના પાણીની અછત હવે ભૂતકાળ બની છે. એક સમય હતો કે લોકોને પીવા માટે પાણી ભરવા છેક દૂર દૂર સુધી જવું પડતું હતુ. હવે હર ઘર નળ કનેક્શન થકી પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના અંદાજિત 6500ની વસ્તી ધરાવતાં શિયાળબેટ ટાપુ ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના વરદહસ્તે રાજુલા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પીવાના શુદ્ધ પાણી માટેની પાઈપલાઈન નાંખવાના વિકાસકામોનું ખાતમુર્હૂત અને તક્તી અનાવરણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
શિયાળબેટ ખાતે ‘તાઉ તે’ વાવાઝોડા દરમિયાન નુકશાન થયું હતુ. અગાઉ પીવાના શુદ્ધ પાણી વિતરણ અર્થે ચાંચ બંદરથી શિયાળબેટ ટાપુ સુધી HDPE પાઈપલાઈન નાંખવામાં આવી હતી પરંતું ‘તાઉ તે’ વાવાઝોડામાં આ પાઈપલાઈન ડિસ્ટર્બ થઈ હતી અને પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. હવે ફરીથી આ જ પાઈપલાઈનનું રિપેરીંગ કરીને અંદાજિત રુ. 3.26 કરોડના ખર્ચે પીવાના શુદ્ધ પાણીની જરુરિયાતને ધ્યાને લઈને 280 મીમી વ્યાસની HDPEની પાઈપલાઈન નાંખવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં શિયાળબેટને ફરીથી રાબેતા મુજબ આ પાઈપલાઈન મારફત પીવાનું પાણી મળતું થશે. અહીં પાણીની જરુરિયાત 0.61 એમ.એલ.ડી. જેટલી રહે છે. મહી અને નર્મદા આધારિત આ યોજના અંતર્ગત પીવાનું પાણી મળી રહેશે.
વિકાસકામોના ખાતમુર્હૂત કાર્યક્રમમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યુ હતુ કે, પીવાનું શુદ્ધ પાણી ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. અહીં શિયાળબેટ ખાતે પાઈપલાઈન કામગીરી પૂર્ણ થઈ જતાં પીવાનાં પાણીના વિતરણ ફરીથી રાબેતા મુજબ શરુ થશે. પીવાના પાણી માટેની પાઈપલાઈનનું કામ બનતી ત્વરાથી કરીને ટૂંક સમયમાં જ તે પૂર્ણ કરવામાં આવશે.
મંત્રી બાવળિયાએ શિયાળબેટના પાત્રતા ધરાવતાં હોય તેવા નાગરિકોને NFSA કાર્ડ મળી રહે અને તેનાં વિતરણ બાબતે ઘટતું કરવા સંબંધિત અધિકારીને સ્થળ પર જ વિશેષ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત સિંચાઈ અને પશુઓને પણ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે શિયાળબેટ આસપાસના ચેકડેમો, તળાવો સૌની યોજના અંતર્ગત ભરવાની ખાતરી પણ મંત્રીએ આ તકે આપી હતી. દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો ડિસેલિનેશન પ્લાન્ટ ઘોઘા નજીક બનીને તૈયાર થઈ ચૂક્યો છે. આ પ્લાન્ટ ટૂંક સમયમાં કાર્યાન્વિત થશે અને શિયાળબેટ સહિતના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓનું નિરાકરણ થશે, તેમ મંત્રીએ જણાવ્યુ હતુ.