નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જનની પસંદગી થઈ હતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાની સાથે મલ્લિકાર્જન ખડગેએ કોંગ્રેસને વધારે મજબુત બનાવવાની કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે અને આ જવાબદારીની દર છ મહિને સમીક્ષા કરવાનો નિર્ણય મલ્લિકાર્જન ખડગે લીધો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંગઠનની પ્રથમ બેઠકમાં પદાધિકારીઓને મહત્વના સૂચનો કર્યાં હતા. ખડગેએ કહ્યું હતું કે, પાર્ટીમાં પદ અને નિયુક્તિ શોભાની વસ્તુ ના બની જાય અને પાર્ટીનો લાભ ના થાય. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી જનતા સાથે સંબંધ બંધાયો છે અને સંબંધને જાળવી રાખવાનો છે, આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા હાથથી હાથ જોડો અભિયાન શરૂ કરવામાં આવશે. કર્ણાટકમાં 1લી જાન્યુઆરીથી આ અભિયાન શરૂ કરવામાં આવશે. આગામી 26મી જાન્યુઆરીથી સમગ્ર દેશના રાજ્યોમાં અભિયાન શરૂ કરવામાં આવશે. પ્રદેશોમાં બ્લોક અને જિલ્લા સ્તરે પણ આગેવાનોની નિમણુંક કરીને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે.