Site icon Revoi.in

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પ્લેન રનવે પરથી લપસ્યુ, રેમડેસિવીર અને મેડિકલ સામગ્રી લઈને જતું હતું પ્લેન

Social Share

ભોપાલ: ગુજરાતથી મધ્યપ્રદેશ રેમડેસિવીર અને અન્ય મેડિકલ સાધન સામગ્રી લઈને જતું મધ્યપ્રદેશ સરકારનું પ્લેન ગ્વાલિયર રનવે પર લપસી પડ્યું હતું, આ ઘટના ગુરૂવારે મોડી રાતે બની હતી અને તેમાં પ્લેનના 2 પાયલોટ સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેન્ડિંગ વખતે એન્જિનમાં ટેકનીકલ ક્ષતિના કારણે સ્ટેટ પ્લેન પલટી મારી ગયું હતું.

ઘાયલ થયેલા તમામ લોકોને હાલ સારવાર અર્થે ગ્વાલિયરની JAH હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિમાન ગુજરાતના અમદાવાદથી રેમડેસિવિર ઈન્જેક્શન લઈને આવ્યું હતું. આ પ્લેન અગાઉ અમદાવાદથી રેમડેસિવીર ઈન્જેક્શન લઈને ઈન્દોર પહોંચ્યું હતું. ત્યાં અનલોડિંગ પછી બાકીના ડોઝ લઈને ગ્વાલિયર એરપોર્ટ પર પહોંચ્યું હતું. પરંતુ ગ્વાલિયરમાં લેન્ડિંગ અગાઉ જ પ્લેનના એન્જિનમાં કોઈ ક્ષતિ સર્જાઈ હતી. સિનિયર પાયલટ કેપ્ટને ચપળતાથી નિર્ધારિત પોઈન્ટથી 200 મીટર અગાઉ જ પ્લેનને રનવે પર ઉતારી દીધું. તેમણે સ્પીડ ઘટાડતા વિમાનને કંટ્રોલ કરવાની કોશિશ કરી હતી પરંતુ પ્લેન રનવે પર લપસીને એક તરફ પલટી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ મહામારીમાં હાલ દવાઓ અને અન્ય મેડિકલ સાધન સામગ્રી જલ્દીથી મળી રહે તે માટે પ્લેન દ્વારા તેનું સ્થળાંતર કરવામાં આવે છે. પ્લેનથી ગ્વાલિયર અને ચંબલ અંચલ માટે 71 બોક્સ રેમડેસિવીર ઈન્જેક્શન ઉતારવામાં આવ્યા છે. બાકીના પેકેટ જબલપુર માટે છે. તેને જબલપુર પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. આ દુર્ઘટના કેવી રીતે બની તેના અંગે તપાસ ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જે વિમાન રનવે પર લપસી પડ્યું હતુ તેને લગભગ એક વર્ષ પહેલા વિદેશથી 65 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદ્યુ હતું અને તેનું ગત સપ્તાહે જ સમારકામ કરાયું હતું. આ પ્લેનને 100 કલાકના ઉડ્ડયન પછી અને નિયમિત સમારકારમા પછી એક-બે દિવસ અગાઉ જ ઉડ્ડયન માટે યોગ્ય ગણાવાયું હતું. તેના પછીથી આ વિમાન રાજ્યના વિવિધ શહેરોમાં રેમડેસિવીર ઈન્જેક્શન, વેક્સિન અને અન્ય દવાઓ પહોંચાડી રહ્યું હતું.