અમદાવાદના એમ્બ્રોઇડરી ઉદ્યોગની કફોડી સ્થિતિ, ભાડુ અને મશીનનો મેન્ટેનન્સ ખર્ચ પણ નિકળતો નથી
અમદાવાદ : કોરોના કાળ દરમિયાન રાજ્યના ઉદ્યોગ ધંધા પર માઠી અસર પડી છે. જેમાં એમ્બ્રોઇડરી અને યાર્ન બિઝનેસને પણ કરોડોનો ફટકો પડયો છે. હજારો વેપારીઓ અને લાખો કારીગરો આ બિઝનેસ સાથે સંકળાયેલા હોવાથી વેપારીઓ અને ઉદ્યોગની ગાડી પાટેથી ઉતરી ગઈ હોય તેવી સ્થિતિ છે. એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરીના નામે ચાલતા આ બિઝનેસને કોરોનાને લીધે અંદાજે 10થી 12 હજાર કરોડનું નુકસાન થયુ હોવાનું વેપારીઓ કરી રહ્યા છે. બંધ પડેલા મશીનો, કારીગરો વગરની ફેકટરીઓ, ધૂળ ખાઈ રહેલા દોરાના બોબીન અને માલના સ્ટોકનો ભરાવાથી ઉદ્યોગની હાલત કફોડી બની છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હીરા ઉદ્યોગ બાદ સૌથી વધુ રોજગારી આપતો જો કોઈ બિઝનેસ હોય તો તે છે એમ્બ્રોઇડરી બિઝનેસ છે. પરંતુ કોરોનાને લીધે આ ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો છે. યાર્ન મેન્યુફેક્ચરિંગથી ડીલર અને ડીલરથી એમ્બ્રોઇડરી ઉદ્યોગ અને એમ્બ્રોઇડરીથી કારીગરોની રોજગારી, આ આખે આખી ચેઇન તૂટી ગઈ છે. એમ્બ્રોઇડરી માટેના યાર્ન બિઝનેસના વેપારીએ જણાવ્યું હતું કે તેઓ 10 વર્ષથી વેપારી યાર્ન મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં છે. માત્ર 20 ટકા જેટલો ધંધો રહ્યો છે. 100 ટકામાંથી 20 ટકા સ્ટાફ થઈ ગયો છે. થર્ડ વેવમાં વધુ પરિસ્થિતિ ખરાબ થશે તેવું વિચારી કારીગરો ગામથી આવવા માંગતા નથી. યાર્ન બિઝનેસ સાથે સંકળાયેલા અન્ય વેપારીએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે આ બિઝનેસ 80 ટકા બંધ છે. તમામ જગ્યાએ રૂપિયા બ્લોક થઈ ગયા છે. જેના કારણે તમામ ફેકટરીઓમાં કામ બંધ છે. છેલ્લા દોઢ બે વર્ષથી તહેવારો ઉજવાતા નથી જેના કારણે માર્કેટ બરાબર ખુલ્યું નથી.
કોરોનાને લીધે અંદાજે 10થી 12 હજાર કરોડનું નુકસાન આખા એમ્બ્રોઇડરી બિઝનેસને છે. એમ્બ્રોઇડરી યાર્ન બિઝનેસ જેવી જ હાલત એમ્બ્રોઇડરી બિઝનેસની પણ છે. કોરોનાના કારણે એમ્બ્રોઇડરીનો ધંધો પણ બંધ થવાની કગાર પર છે. કારણ કે એમ્બ્રોઇડરીના યુનિટોમાં 90 ટકા મશીનો બંધ છે. એક સમય હતો જ્યારે આ મશીનો 24 કલાક ધમધમતા હતા. મશીનોના અવાજ અને કારીગરોનો શોરબકોર હતો પણ હાલ એમ્બ્રોઇડરીના કારખાનાઓમાં 90 ટકા કારખાના બંધ છે ધંધો એટલી હદે ઠપ થઈ ગયો છે કે છેલ્લા 3થી4 કેટલાક કારખાનેદારો ભાડું પણ ચૂકવી શક્યા નથી. એક મશીન પાછળ મહિને 90 હજારનું પ્રોડક્શન થતું હોય એમ 6 મશીન પર મહિને 5 લાખ 40 હજારનું પ્રોડકશન થાય. તેમના યુનિટમાં 6 મશીનમાંથી 1 જ ચાલુ છે. એક મશીન દીઠ તેના મેન્ટેનન્સમાં 15 હજાર જેટલો ખર્ચ થઈ જાય છે. કોરોનાના કારણે બંધ પડેલા એમ્બ્રોઇડરી ઉદ્યોગના કારણે માત્ર વેપારીઓ જ નહીં તેની સાથે સંકળાયેલા કારીગરો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પોતાના વતન પહોંચી ગયેલા કારીગરો ક્યારે ધંધો પાટા પર આવે તેની રાહ જોઇને બેઠા છે.