અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા સોલાર વીજળીને પ્રોત્સાહન આપવા માટે સબસિડી અને રાહત આપવામાં આવતી હતી. જેનો સારોએવો પ્રતિસાદ પણ મળ્યો હતો. ત્યાર બાદ સરકારે સોલાર પ્રોજેક્ટમાં કરાર કર્યા બાદ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) કરી મૂડીની સબસિડી અને વ્યાજની સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા સેંકડો રોકાણકારોના સાથે અન્યાય થયો હોવાનું ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું હતું. જેથી સબસિડી મુદ્દે નિકાલ ન આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં સોલાર તેમજ તેની સાથે જોડાયેલા અન્ય નાના ઉદ્યોગકારો, રોકાણકારો, ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન આપવાથી દૂર રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે, સોલાર પ્રોજેક્ટમાં સબસિડી ચાલુ રાખવા મુખ્યમંત્રી, નાણામંત્ર, ઊર્જામંત્રીને રજૂઆત કરાશે તથા અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ ખાતે સોલાર યાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર સાથે 4000 નાના એમએસએમઈ રોકાણકારોએ 2500 મેગાવોટના સોલાર પ્લાન્ટ માટે કરારો કર્યા હતા. જેમાં ઊર્જા વિભાગે વિવિધ ડિસ્કોમ દ્વારા 0.5થી 4 મેગાવોટ માટે સોલાર ઇલેક્ટ્રિક ઉત્પાદકો, રોકાણકારો, ખેડૂતો સાથે 4000 પીપીએ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ દોઢ મહિના બાદ જ કાર્યક્ષેત્રમાં ન હોવા છતાં સબસિડી ચૂકવવાનો ઇનકાર કરતા સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા હોવાની વાતથી હોબાળો મચી ગયો હતો. કરાર હેઠળ 10 હજાર કરોડનું રોકાણ કરવાના આયોજનમાં 60 ટકા સૌરાષ્ટ્રના લોકોએ રોકાણ થયું હતું.
ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 14 ફેબ્રુઆરી 2022ના રોજ 150 જેટલા રોકાણકારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, નાણામંત્રી તથા ઊર્જામંત્રીને રજૂઆત કરશે. જો પ્રશ્નને સાંભળવામાં નહિ આવે તો 15 ફેબ્રુઆરી 2022ને મંગળવારના રોજ ધોતી પહેરી, લાકડી સાથે અમદાવાદ ખાતે કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સાબરમતી સુધી સોલાર યાત્રા હેઠળ સત્યાગ્રહ કરશે. જેમાં 60 ટકા રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર જેવા સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરના ઉદ્યોગકારો જોડાશે.