Site icon Revoi.in

કોરોનાને લીધે મલ્ટિપ્લેક્સ સંચાલકોની કફોડી સ્થિતિઃ 90 ટકા સ્ટાફને છુટો કરવો પડ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગ-ધંધાને ખૂબ નુકશાન વેઠવું પડ્યુ છે. જેમાં રાત્રિ કરફ્યુને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ્સનો ધંધો પડી ભાંગ્યો છે. જ્યારે મલ્ટિપ્લેક્સ અને થિયેટરને પણ સારૂએવું નુકશાન થયું છે. કોરોનાને લીધે નાણાકીય વર્ષ 2021-21માં પણ મલ્ટીપ્લેક્સના માલિકોને ભાગ્યે જ કોઈ ધંધો થયો હતો. સિનેમાના માલિકોનું કહેવું છે કે, હાલમાં લગાવેલા નવા પ્રતિબંધોથી ધંધાને જબરદસ્ત ફટકો પડ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં પહેલાથી જ નુકસાન સહન કરી રહ્યો છે. આ સ્થિતિના કારણે પોતાના 50થી 90% કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડી હતી. વીકએન્ડ પર મલ્ટીપ્લેક્સને સંપૂર્ણ રીતે બંધ કરવાના રાજ્યના આદેશોના કારણે, ભાગ્યે જ કોઈ આવક થઈ છે, અને તેઓ નિશ્ચિત ખર્ચને પહોંચી વળવા માટે પણ ઝઝૂમી રહ્યા છે.

ગુજરાત મલ્ટિપ્લેક્સ ઓનર્સ અસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, મોટાભાગના મલ્ટિપ્લેક્સમાં કાર્યરત 125 કર્મચારીઓની સામે, હાલમાં પ્રોપર્ટીને મેન્ટેન કરવા, એકાઉન્ટ્સ સંભાળવા અને સિક્યુરિટી માટે સરેરાશ ફક્ત 10 વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા છે. મલ્ટિપ્લેક્સ અને થિયેટર્સ માલિકોને કોઈ આવક નથી અને હાલમાં ધંધાને ટકાવી રાખવો મુશ્કેલ છે. જે મલ્ટિપ્લેક્સ જેઓ ભાડાની જગ્યામાં ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ઓછામાં ઓછા 150 મલ્ટિપ્લેક્સિસ છે. ડિસેમ્બરમાં  કુલ સ્ટાફના ઓછામાં ઓછા 60 ટકા કર્મચારીઓને છુટા કરવા પડ્યા હતા કારણ કે, મલ્ટિપ્લેક્સના સંચાલકો વધારાનો ખર્ચ ઉઠાવી શકવા માટે સક્ષમ નથી. છેલ્લા એક વર્ષથી કોઈ આવક નથી અને આ ખર્ચાને આગળ ધપાવવો પણ શક્ય નથી.

ગયા વર્ષે, દેશવ્યાપી લોકડાઉનના કારણે માર્ચ 2020માં બંધ કર્યા પછી, ઓક્ટોબર 2020માં ફરીથી મલ્ટીપ્લેક્સને શરુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મલ્ટીપ્લેક્સે ફરીથી કામગીરી શરુ કર્યા બાદ પણ, તેમની આવક ખર્ચને પૂરા કરવા માટે ખૂબ નજીવી હતી.જ્યારે ફરીથી મલ્ટિપ્લેક્સ ખોલ્યા ત્યારે, માંડ 5-7 લોકો આવતા હતા, જ્યારે તેમાં 200-300 લોકોને હોસ્ટ કરવાની ક્ષમતા હતી. ભીડને આકર્ષિત કરવા માટે મલ્ટિપ્લેક્સ સંચાલકોને ડિસ્કાઉન્ટ આપવું પડ્યું હતું, તેમ છતાં કોઈ આવતું નહોતું. ઉપરાંત નવી ફિલ્મો પણ ખૂબ ઓછી રિલીઝ થઈ રહી હોવાથી, ભીડ ઓછી જોવા મળતી હતી.મલ્ટીપ્લેક્સનો ધંધો ઠપ થઈ જતાં, ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર્સ આવકના સ્ત્રોત માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તેમાંથી મોટાભાગના એક વર્ષથી બચત પર ટકી રહ્યા છે.