Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાપરવાહીથી કરોડોના ખર્ચે બનેલો સ્વિમિંગ પુલની દૂર્દશા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2017માં 9 કરોડનાં ખર્ચે બનાવેલો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ યુનિની લાપરવાહીને કારણે જર્જરિત બનીને ગંદકીથી ખદબદી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા આંતરરાષ્ટીય કક્ષાના સ્વિમિંગ પુલને ચલાવવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. છેલ્લા દોઢ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કોચે અગાઉ રાજીનામું આપી દીધા બાદ  મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવામા આવતા હાલ સ્વિમિંગ પૂલમાં ભારે ગંદકી જોવા મળી રહી છે. જેને કારણે આંતર કોલેજ સ્વિમિંગ અને ડાઇવિંગ સ્પર્ધા છેલ્લી ઘડીએ મોકૂફ રાખવાની યુનિના સત્તાધિશોને ફરજ પડી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરોડોના ખર્ચે બનાવેલો સ્વિમિંગ પુલ ગંદકીથી ખદબદી રહ્યો છે. હવે સ્વિમિંગ પૂલમાં સફાઈ માટે એક મહિના જેટલો સમય લાગે તેમ હોવાથી  સ્વિમિંગની પ્રેક્ટિસ કરતા નેશનલ અને સ્ટેટ કક્ષાના સ્વિમર માટે બંધ રહેશે. સ્વિમિંગ પુલમાં કોચ ન હોવાથી  સ્વિમિંગ શિખવા માગતા વિદ્યાર્થીઓ માટે આ સ્વિમિંગ પૂલ સદંતર બંધ કરી દેવામા આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલકૂદના 16 મેદાનો છે પરંતુ તેમાંથી માત્ર 2 જ રમતના કોચ છે. હવે સ્વિમિંગની સફાઈ માટે યુનિ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેમના દ્વારા પાણી શુદ્ધિકરણની સાથે એક માસમાં સફાઈ કરવામાં આવશે. જે બાદ જ ખેલાડીઓ માટે આ સ્વિમિંગ પૂલ શરૂ થઈ શકશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલના મેઇન્ટેનન્સ માટે વાર્ષિક રૂ. 11 લાખનો કોન્ટ્રાક્ટ આપતાં હતા. પરંતુ તે રીન્યુ કરવામા આવેલો નથી. જેની જગ્યાએ 2 મજૂર અને 1 ઓપરેટરને રાખેલા છે.

સૌરાષ્ટ્ર યુનિના સૂત્રોના કહેવા મુજબ આંતર કોલેજ સ્વિમિંગ સ્પર્ધા જે 13મી સપ્ટેમ્બરે રાખવામાં આવી હતી વરસાદી માહોલ અને સ્વિમિંગ પૂલની સાફ-સફાઈ ન થતા સ્પર્ધા હાલ મોકૂફ રાખવી પડી છે. જે સ્પર્ધા હવે સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં યોજાશે. કોચના અભાવે સ્વિમિંગ શીખવા માગતા શિખાઉ ખેલાડીઓ માટે સ્વિમિંગ પૂલ સદંતર બંધ થઈ ગયો છે. જ્યારે સ્વિમર કે જેઓને સ્ટેટ અને નેશનલ કક્ષાએ આગળ વધવા માટે પ્રેક્ટિસ કરવી છે તેવા ખેલાડીઓ માટે પણ સ્વિમિંગ પૂલ એક માસ બંધ રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ ગુજરાતમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળશે. અહીં 7 ફૂટ ઊંડો 25 મીટરનો નાનો અને 50 મીટરનો મોટો સ્વિમિંગ પૂલ આવેલો છે. જેમાં નાના સ્વિમિંગ પૂલમાં 7 લાખ લીટર તો મોટા સ્વિમિંગ પૂલમાં 18 લાખ લીટર પાણીની જરૂરિયાત રહે છે. હવે આ સ્વિમિંગ પૂલમાં ભારે ગંદકી છે. જેથી સમગ્ર પાણી કાઢી અને નવું પાણી નાખવામાં આવશે અને બાદમા ક્લોરિન નાખ્યા પછી જ સ્વિમિંગ પૂલ શરૂ થઈ શકશે. વાર્ષિક 4 લાખની આવક સામે 11 લાખનો માત્ર મેઇન્ટેનન્સ ખર્ચ આવતો હોવાથી જૂના કાર્યકારી કુલપતિના સમયમાં આપવામાં આવેલો કોન્ટ્રાક્ટર નવા કાર્યકારી કુલપતિના કાર્યકાળમાં રદ કરવામાં આવ્યો હતો.