પાટડીની સરકારી હોસ્પિટલની દુર્દશા, પીવાના પાણીની સુવિધા નથી, ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પછાત ગણાતા પાટડી શહેરની સરકારી હોસ્પિટલનો આ વિસ્તારના 92 જેટલા ગામોના લોકો લાભ લઈ રહ્યા છે. આ હોસ્પિટલની દુર્દશાથી દર્દીઓ વધુ બિમાર પડી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં ગંદકી અને અવ્યવસ્થાથી દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. એમાંય આકરા ઉનાળાની શરૂઆતમાં જ આ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ અને એમના સગાવહાલાઓ માટે પીવાના પાણીની પણ સરખી સુવિધા નથી તેમજ હોસ્પિટલમાં ચારેબાજુ પારાવાર ગંદકીના લીધે દર્દીઓ વધુ માંદા પડે તેવી સ્થિતિ હોવાથી દર્દીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટડી ખારાઘોડા રોડ પર આવેલી સરકારી હોસ્પિટલ તાલુકાના 92 ગામો વચ્ચેની એકમાત્ર મોટી સરકારી હોસ્પિટલ છે. અહીં તાલુકાભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. તેમજ માલવણ હાઇવે પર અવારનવાર સર્જાતા ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને પણ પ્રાથમિક સારવાર અર્થે પહેલા પાટડી સરકારી હોસ્પિટલમાં જ લાવવામાં આવે છે. ત્યારે તાલુકાના 92 ગામો વચ્ચેની આ સરકારી હોસ્પિટલ હાલ ખુદ માંદગીના બિછાને હોવાનો ઘાટ સર્જાયો છે સરકારી હોસ્પિટલમાં તંત્રની અવ્યવસ્થા સ્પષ્ટ જોવા મળી રહી છે. જ્યારે હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં દર્દીઓના બેડ પર બિછાવવા માટેની ચાદરો ગંદી હાલતમાં અને લોહીના ડાઘાવાળી જોવા મળી હતી. જ્યારે દર્દીઓના વોર્ડમાં કુતરાઓ આરામથી આંટાફેંરા મારતા જોવા મળ્યા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાટડી સરકારી હોસ્પિટલમાં દવાનો પૂરતો સ્ટોક ન હોવાની ફરિયાદો ઉઠી છે. હોસ્પિટલના દર્દીઓને હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા પ્રશ્નોના ઉડાઉ જવાબ આપવામા આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. વધુમાં દર્દીઓ માટે પીવાના પાણીનું કુલર આશરે 1 વર્ષ આગાઉ મુકવામાં આવ્યું હતુ. તેમાં પાણી માટેની પૂરતી કોઇ જ સુવિધા પણ નથી. જ્યારે પીવાના પાણીના કુલરની જગ્યાએ ખુબ જ પારાવાર ગંદકી જોવા મળી હતી. પાટડી સરકારી હોસ્પિટલમાં બીમારી મટાડવા આવતા દર્દીઓને વધારે બીમાર પડી જવા જેવી કફોડી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે પાટડી સરકારી હોસ્પિટલમાં ચાલતી આવી લીલીયાવાડીનો ઝડપી અંત આવે એવું દર્દીઓ અને એમના સગા વહાલાઓની વ્યાપક માંગ ઉઠવા પામી છે. ત્યારે પાટડી સરકારી હોસ્પિટલમાં આવીને દર્દીઓ વધુ માંદા પડે તેવી નર્કાગાર જેવી સ્થિતિ હોવાની વ્યાપક બુમરાડ ઉઠવા પામી છે.