Site icon Revoi.in

અમદાવાદના વસ્ત્રાપુર લેકની દુર્દશા, પગથિયા જમીનમાં બેસી ગયા, દિવાલો પણ તૂટી ગઈ

Social Share

અમદાવાદ : શહેરનું વસ્ત્રાપુર લેક  એ પશ્વિમ વિસ્તારના લોકો માટે હરવા-ફરવા માટે માનીતું સ્થળ બની ગયું હતું. હવે તેની દુર્દશા જોઈને શહેરીજનો દુઃખ અનુભવી રહ્યા છે.  લેકની આવી હાલત માટે  જવાબદાર છે, અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર.  સમયસર જાળવણી ના થતા વસ્ત્રાપુર લેક બિસ્માર બની ગયુ છે. વસ્ત્રાપુર લેકની એક એન્ટ્રી પાસે નીચે તરફ જતા પગથિયાની જમીન બેસી ગઈ છે. લેકના આ ભાગમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

અમદાવાદ શહેરમાં આવેલા વસ્ત્રાપુર લેકના ચાર પ્રવેશદ્વાર છે. જેમાંથી એક ગેટથી પ્રવેશ્યા બાદ નીચેની તરફના પગથિયા પર સાવધાનનું બોર્ડ લગાવી દેવાયુ છે. અહી  પતરા મારીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અહી મુસાફરોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લેકની દીવાલો તૂટી ગયા બાદ સમારકામ કરવામાં તંત્ર  દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. લગભગ એક મહિનાથી આ ભાગની જમીન બેસી ગઈ છે. તેનુ સમારકામ કરવાને બદલે પતરા મારી સાવધાનનું બોર્ડ લગાવી દેવાયુ છે અને બોર્ડ મારીને મ્યુનિ.કોર્પોરેશનનના અધિકારીઓ આરામ ફરમાવી રહ્યાં છે.

વસ્ત્રાપુર લેક પાસેની જમીન પણ બેસી ગઈ, જમીન પરના બ્લોક માટી સહિત લેકમાં ધસી જવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. વર્ષ 2019માં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કરેલી જાહેરાત મુજબ વસ્ત્રાપુરમાં નર્મદાનું પાણી લાવી કાંકરિયાની જેમ બોટિંગ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. બે વર્ષ વીત્યા બાદ લેકમાં ગંદા પાણીનો ભરાવો અને લેકમાં પાર્ક બોટ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. બોટિંગ તો દૂર, પરંતુ લેકની સમયસર જાળવી પણ કરાતી નથી. વર્ષ 2002માં વસ્ત્રાપુર તળાવનું સમારકામ હાથ ધરાયુ હતું, વર્ષ 2013 માં ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર નામ આપવામાં આવ્યું હતું મ્યુનિ.કોર્પોરેશનનનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે.