Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં પોલીસે બોટની વિભાગના કર્મચારીની કરી ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા બોટની વિભાગમાંથી નર્સિંગની પરીક્ષાની ઉત્તરવહીઓ ગાયબ કરીને વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે હોબાળો મચતા યુનિ.ના કૂલપતિએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. અને રજિસ્ટ્રર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવ્યાના મહિના બાદ પોલીસે પહેલા આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે સાયબર ક્રાઇમની મદદથી સંજય ડામોર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી બોટની વિભાગમાં જ ફરજ બજાવતો હતો. આ આરોપીએ કૌભાંડના મુખ્ય સૂત્રધારને ઉત્તરવહી પહોચાડવામાં મદદ કરી હતી. જોકે, હજુ મુખ્ય આરોપી સની ચૌધરી ફરાર છે.

ગુજરાત યુનિવર્સિટીમાં નર્સિંગની પરીક્ષામાં પાસ કરવાના કૌભાંડનો એનએસયુઆઈએ પડદાફાસ કરીને કૌભાંડીઓ સામે સખત પગલાં લેવાની માગ સાથે હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના મહિના બાદ પોલીસે  યુનિ.ના બોટની વિભાગમાં કર્મચારી સંજય ડામોરની ધરપકડ કરી છે. આ કેસમાં હજુ પણ મુખ્ય આરોપી ફરાર છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા બોટની વિભાગમાં કાર્યરત નર્સિંગની પરીક્ષાના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થઈ હતી અને વિવાદ થયો હતો. વિવાદ બાદ અંતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 12મી જુલાઈના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ આ કેસમાં પટાવાળા તરીકે નોકરી કરતો  સંજય ડામોર  ઉત્તરવહીકાંડના મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને અમિત સિંહને મદદ કરતો હતો. આરોપી સંજય ડામોર બોટની વિભાગમાં જ રહેતો હતો, જેથી ઉત્તરવહી લાવવા અને લઈ જવાની પ્રક્રિયાથી વાકેફ હતો. મુખ્ય બે આરોપી સાથે મળીને સંજય નક્કી થયા પ્રમાણે ઉત્તરને સગેવગે કરવામાં ભૂમિકા ભજવતો હતો. પોલીસ તપાસમાં આરોપી સંજયની ભૂમિકા આવતા તે ફરાર થઈ ગયો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં કોંગ્રેસની વિધાર્થી પાંખ એનએસયુઆઇ  દ્વારા ઉત્તરવહી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં 14 જેટલા નર્સિંગના વિદ્યાર્થીઓને ઉત્તરવહી ગુમ થઈ હતી. આ કૌભાંડના મુખ્ય આરોપીઓ વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં ઉત્તરવહી કોરી રખાવ્યાં બાદ એસેસમેન્ટ સેન્ટરમાંથી રાતના સમયે તેમની ઉત્તરવહી વિદ્યાર્થીઓને પહોંચાડતા અને જ્યાં તેના જવાબ લખવામાં આવતા હતાં.  વિદ્યાર્થીઓને અજ્ઞાત સ્થળે રાખવામાં આવતા હતા, જ્યાં ઉત્તરવહી લખાવવામાં આવતી હતી. એક વિદ્યાર્થી પાસે રૂપિયા 50 હજાર વસૂલવામાં આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ કેસમાં મુખ્ય બે આરોપી વોન્ટેડ છે. જેને પકડવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.