Site icon Revoi.in

પાલનપુરમાં રજુઆત માટે આવેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

Social Share

પાલનપુરઃ સરકાર હસ્તકના છાત્રાલયો અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાતા હલકી ગુણવત્તના ભોજનની ફરિયાદો હવે કાયમી બની ગઈ છે. પાટણમાં સરકારી કૂમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં દેડકો નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. છાત્રાલયના કીચનમાં સ્વચ્છતા રાખવામાં આવતી ન હોય તેમજ હલકી કક્ષાનું ભોજન અપાતું હોવાના મામલે વિદ્યાર્થીઓ પાલનપુરમાં સેવા સદન-2માં આવેલી આદિજાતિ કચેરીએ તાળાબંધી કરવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન અગાઉથી બંદોબસ્તમાં મુકાયેલી પોલીસ અને આદિવાસી વિદ્યાર્થીઓ વચ્ચે  ઘર્ષણ થયું હતું. જેથી પોલીસે કચેરીને તાળાબંધી કરવા આવેલા આદિવાસી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા જમવાની સુવિધાને લઇ અનેકવાર તંત્રને રજૂઆત પણ કરી છતાં કઇ પરિણામ મળ્યું નહતું. ત્યારે બે દિવસ અગાઉ ભોજનમાં દેડકો નીકળ્યો હતો. જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. આથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છાત્રાલયમાં રહેતા 150 થી વધુ વિદ્યાર્થીઓ પાલનપુરમાં જિલ્લા પંચાયત કચેરીના બગીચામાં ભેગા થયા હતા.જે બાદ તેઓ જિલ્લા પંચાયત કચેરીના દરવાજા નજીક સભા યોજી હતી.જેમાં બે વિધાર્થી આગેવાન ગાડી પર ચડીને માઇક દ્વારા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, આપણે 10 વાર રજૂઆત કરી છે. પરંતુ હવે અગિયારમી વાર રજૂઆત કરવાની નથી અને કચેરીને ઘેરીને તેને તાળાબંધી કરવાની છે.જેથી તમામ વિદ્યાર્થીઓ સહમત થઈ ત્યાંથી નીકળી જિલ્લા પંચાયતનાં દરવાજાથી પોસ્ટ ઓફિસ થઈને સેવા સદન-2 માં આવેલી આદિજાતિ આસિસ્ટન્ટ કમિશ્નરની ઓફિસે પહોચે તે પહેલાં પોલીસે અટકાવીને તેમને યોગ્ય રીતે રજૂઆત કરવા સમજાવ્યા હતા.પરંતુ વિદ્યાર્થિઓ પોતાના નિર્ણય પર અડગ રહીને પાલનપુરમાં આદિજાતિ કચેરીને તાળાબંધી કરવા આવ્યા હતા.ત્યારે સેવા સદન-2માં આવેલા આદિજાતિ કચેરીને તાળાબંધી કરવા જતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે વિદ્યાર્થીઓ ઉપર લાઠી ચાર્જ કર્યો હતો.

આદિજાતિ કચેરીએ રજુઆત માટે આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, જમવાની બાબતમાં ઘણી બધી સમસ્યાઓ ભોગવવી પડી રહી છે. અમને પોષણયુક્ત આહાર આપવામાં આવતો નથી. આથી વિદ્યાર્થીઓ પાલનપુર કચેરીમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. રજૂઆત કરીએ તે પહેલા અધિકારી કચેરી છોડીને જતા રહ્યા હતા. અને અમે કચેરી પહોંચીએ તે પહેલા પોલીસે અમારા પર લાઠીચાર્જ કરીને અમને ભગાડ્યા હતા. પરંતુ પોલીસથી અમે ડરીશું નહીં અમે અમારા હક માટે લડતા રહીશું.