ગાંધીનગર: રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. આથી જે પોલીસ સ્ટેશનની નબળી કામગીરી હશે તેવા પોલીસ સ્ટેશનના સ્ટાફની સામુહિક બદલીઓ કરવામાં આવશે. એટલે કે, હવે પોલીસ વિભાગમાં પણ નો રીપિટ થિયરી લાગુ પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ડીજીપી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સૌથી બદમાન પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલી દેવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગર સહિતની મેગા સિટીમાં ટૂંક સમયમાં કવાયત હાથ ધરાશે તેવું જાણવા મળ્યું છે. આ અંગે ગૃહવિભાગે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની વિગતો મંગાવી છે. જેથી સૌથી ખરાબ કામગીરી કરતા પોલીસ સ્ટેશનમાં રાઈટરથી માંડીને પીઆઈ સુધીનો સંપૂર્ણ સ્ટાફ બદલી નાખવામાં આવશે. ચોક્કસ વિસ્તારોના પોલીસ સામે આવી રહેલી સતત ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ઘણા પોલીસ સ્ટેશન સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સૌથી વધુ આક્ષેપો થાય છે તેથી પોલીસ તંત્રની છાપ સુધારવા માટે હવે ગૃહ વિભાગ આકરાં પગલાં લેશે. શહેરી વિસ્તારોમાં જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ ફુલીફાલી હશે તેવા બદનામ પોલીસ સ્ટેશનોનો સંપૂર્ણ સ્ટાફ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સૌપ્રથમ સુરતથી આ ડ્રાઇવ શરૂ થશે અને બાદમાં અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ઘણીવાર એવું પણ બનતું આવ્યું છે કે, પોલીસ સ્ટેશનના પીઆઇ બદલવાથી સ્થિતિ બદલાતી નથી કેમ કે તેના હાથ નીચેનો સ્ટાફ આવી પ્રવૃત્તિમાં મદદરૂપ હોય છે. તેથી આવા પોલીસ સ્ટેશનોની યાદી તૈયાર કરવામાં આવી છે અને ત્યાં PI, PSI, રાઇટર, હેડ કોન્સ્ટેબલથી માંડીને ડ્રાઇવર સહિતનો તમામ સ્ટાફ બદલી નાંખવામાં આવશે.