Site icon Revoi.in

પોલીસ સ્ટેશનના અધિકારી હવે સોમવારે અને મંગળવારે લોકોની રજુઆતો સાંભળશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના દરેક પોલીસ સ્ટેશનોમાં નાગરિકો પોલીસને લગતા પ્રશ્નોની રજુઆત માટે જાય ત્યારે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ મળતા ન હોવાથી નાગરિકોને ધક્કા ખાવા પડતા હતા. આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રીના આદેશ મુજબ હવે દર સોમવાર અને મંગળવારે પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓએ સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી નાગરિકોના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ હવે સ્થાનિક સ્તરે જ મળી જશે. જેના માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીને સૂચના આપવા કહ્યું છે. આ બે દિવસોમાં અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠક કે અન્ય કાર્યક્રમનું આયોજન નહીં કરવું, તેવી પણ સૂચના આપવામાં આવી છે.  આ સિવાય અધિકારીઓ બેઠક કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકો સમગ્ર દિવસ દરમિયાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયનો ત્વરિત અમલ કરવામાં આવે તેવો નિર્દેશ કર્યો છે.

રાજ્યમાં દૂર-દૂરથી સામાન્ય નાગરિકોને પોતાની રજૂઆતો લઈને ગાંધીનગર જવું પડતું હતું. હવે આ લોકોએ છેક ગાંધીનગર ધક્કા ન ખાવા પડે અને પોતાના સ્થાનિક વિસ્તારમાં જ સમસ્યાનું સમાધાન મળી જાય, તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.