પ્રજાની સુરક્ષા માટે ઉભું કરાયેલુ પોલીસ મથક ભગવાન ભરોશેઃ તસ્કરોએ 25 લાખનો કર્યો હાથફેરો
દિલ્હીઃ દેશમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસના હાથમાં છે પરંતુ ઉત્તરપ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તસ્કરોએ પ્રજાની સુરક્ષા માટે ઉભી કરાયેલા પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. તેમજ અંદરથી તિજોરી ચોરીને રૂ. 25 લાખથી વધુની મતાનો હાથ ફેરો કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ લાખોની ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયાં છે. લાખોની ચોરીની આ ઘટનામાં જાણભેદુની જ સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આગ્રા પોલીસ મથકમાં સવારે પોલીસ કોન્સ્ટેબલ ડ્યુટી પર પહોંચ્યાં ત્યારે તિજોરીનો સામાન અસ્તવ્યસ્ત જોઈને ચોંકી ઉઠ્યાં હતા. તેમજ તિજોરીમાં રાખેલુ બોક્ષ ખોલીને તપાસ કરતા અંદરથી રૂ. 25 લાખની મતાની ચોરી થયાનું સામે આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં જ ચોરી થતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ તિજોરીમાં એક ઘટનામાં પકડયેલા આરોપી પાસેથી રિકવર કરેલી મતા રાખવામાં આવી હત. તેમજ રૂમનો પાછળનો દરવાજો અને બારીના કાચ પણ તુટેલા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા કવાયત આરંભી હતી. બીજી તરફ પોલીસ મથકના ઈન્સેપક્ટર સહિત 6 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનામાં જાણભેદુની સંડોવણી અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આગ્રામાં પોલીસ સ્ટેશનને જ તસ્કરોએ નિશાન બનાવીને અંદરથી લાખોની મતાની ચોરી કરતા લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. એટલું જ નહીં પોલીસની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉભા થયાં હતા.