સોશિયલ મિડિયા પર વૈમનસ્ય ફેલાય તેવા વિડિયો કે મેસેજ પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે
અમદાવાદઃ સોશિયલ મીડિયામાં સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા વિડિયો અને પોસ્ટ વાયરલ કરવામાં આવતી હોય છે. તાજેતરમાં ધંધુકામાં વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડ નામના યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં સોશિયલ મીડિયા કારણભૂત હતું. આ ઘટના બાદ પણ સોશિયલ મીડિયામાં એકબીજાના ધર્મની વિરૂદ્ધમાં પોસ્ટ વાયરલ કરવામાં આવતી હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે. સમાજમાં કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર ઘૃણાસ્પદ પોસ્ટ કે વિડિયો મુકનારા સામે પોલીસ કડક પગલાં લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધંધૂકામાં રહેતા કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં બીજા ધર્મને લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. ત્યારબાદ કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો હત્યાનું કનેક્શન પાકિસ્તાન સુધી પહોંચ્યું છે. આ બનાવ બાદ અમદાવાદ શહેર પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે. સોશિયલ મીડિયામાં વૈસમનસ્ય ન ફેલાવવાની અપીલ પોલીસ દ્વારા લોકોને કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ કે ઉશ્કેરણી જનક ટિપ્પણી, મેસેજ કે વીડિયો અપલોડ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. રાજ્યમાં ધર્મિક શાંતિ જળવાય રહે તે માટે પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે.
સોશિયલ મીડિયા પર બીજા ધર્મ વિરુદ્ધ અપમાનજક પોસ્ટ કરવાથી બે ધર્મ વચ્ચે વિવાદ ઉભો થતો હોય છે. તેવામાં શાંતિ જળવાય રહે અને કોઈને મુશ્કેલી ન પડે તે માટે પોલીસે લોકોને સલાહ આપી પોસ્ટ શેર કરવાથી દૂર રહેવા જણાવ્યું છે. સાયબર સેલની ટીમ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અને મેસેજ પર સતત મોનીટરિંગ કરી રહી છે. જો કોઈ વ્યક્તિ આવી પોસ્ટ કરતા ઝડપાશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.