અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત એકાદ દિવસમાં કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત પૂર્ણ કરીને પેનલો તૈયાર કરી દેવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ તો ઘણીબધી બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવશે. પરંતુ હવે કોંગ્રેસ થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવવાનું નક્કી કર્યું છે. જો કે કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોને ટિકિટ મળશે એવો ઈશોરો કરીને ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાનું કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા આવતી કાલે 3 નવેમ્બરના બપોર બાદ ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેર કરે તેવી શક્યતા છે. આ બધાની વચ્ચે દરેક રાજકીય પાર્ટીઓએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પણ તેજ કરી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપ સેન્સની પ્રક્રિયા બાદ ઉમેદવારોને લઈ મંથન કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ હવે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી રહી છે ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસ નેતાઓએ ફરી દિલ્હીમાં ધામા નાખ્યા છે. જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્મા દિલ્હી પહોંચ્યા છે. આજે ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. અગાઉની સ્ક્રિનિંગમાં બાકી રહેલા ઉમેદવારોના નામો પર આજે મંથન થશે. હાલ 98 બેઠકો પર કોંગ્રેસે નામો નક્કી કરી લીધા હોવાની ચર્ચા છે. માહિતી મુજબ બે દિવસીય સ્ક્રીનિંગ કમિટી બાદ 4 નવેમ્બરથી સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક મળશે. મહત્વનું છે કે, અગાઉની સ્ક્રિનિંગ બેઠકમાં 98 ઉમેદવારોના નામ નક્કી કરી લીધા હોવા છતાં ઉમેદવારની જાહેર કરી નથી. ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરે ત્યાર બાદ જ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે.