પોલિટેકનિક કોલેજ અધ્યાપક મંડળે પડતર પ્રશ્નો ઉકેલવા ફરીવાર CMને પત્ર લખીને રજુઆત કરી
અમદાવાદઃ રાજ્યના પોલિટેકનિક કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મહિનાઓથી લડત આપી રહ્યા છે. પણ શિક્ષણ વિભાગ પ્રશ્નો ઉકેલવા મચક આપતું નથી. આથી અધ્યાપક મંડળે મુખ્યમંત્રીને ફરીવાર પત્ર લખીને પડતર પ્રશ્નો ઉકેલવા માંગણી કરી છે. અગાઉ અનેક વખત રજૂઆત તથા રૂબરૂ મુલાકાત કરવા છતાં પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. જેથી ફરી એકવાર અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખીને ઝડપી ઉકેલ લાવવા માગ કરી છે. અધ્યાપકોએ સાતમાં પગાર પંચ, સળંગ નોકરી, કાયમી આચાર્યની ભરતી, બદલી સહિતના મુદ્દે રજૂઆત કરી ઝડપી નિરાકરણ લાવવા માંગણી કરી છે.
પોલીટેક્નિક અધ્યાપક મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે, ડિપ્લોમા કોલેજના અધ્યાપકોને 7મા પગાર પંચનો લાભ 20 માર્ચ 2020ના ઠરાવથી આપવામાં આવ્યો છે. પરંતુ આ ઠરાવ માટે મંજૂરી અલગ લેવાની છે, જેથી અધ્યાપકોને ખરેખરમાં સાતમા પગાર પંચના લાભ મળ્યા નથી. CASની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવે તો અધ્યાપકોને લાભ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ અને મેડિકલ શિક્ષક વિભાગના અધ્યાપકોને મળતા એડહોક સેવા, સળંગ નોકરી તથા અન્ય લાભ સમાનતાના ધોરણે ટેક્નિકલ શિક્ષણ વિભાગના અધ્યાપકોને પણ આપવામાં આવે, જેમાં રજા, પગાર અને પેન્શન પણ છે.
પોલિટેકનિક અધ્યાપક મંડળે એવી માગણી કરી છે કે, પગાર રક્ષિત નવ વર્ષની એડહોક સેવા ગણતરીમાં લઈ 7,000 એજીપી જેવા કિસ્સાઓમાં સમાનતાના ધોરણે મંજૂરી આપવામાં આવે. અધ્યાપકોને શૈક્ષણિક લાયકાત અપગ્રેડ કરવાની તક મળી શકે તથા તમામ યુનિવર્સીટીમાં એક્સટર્નલ PHDના અભ્યાસની મંજૂરી આપવામાં આવે અને ઉચ્ચ અભ્યાસના સમયગાળાની હક રજા મંજૂર કરવામાં આવે. મોટા ભાગની કોલેજોમાં કાયમી અધ્યાપકોની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે, તો તે જગ્યા પણ કાયમી આચાર્યની ભરતી કરવામાં આવે. અધ્યાપકોને વિનંતી બદલીઓની અરજીઓ ધ્યાને લઈને પારદર્શી બદલીઓ કરવામાં આવે તેવી માગ છે.