Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસમાં પ્રભારીની જગ્યા ખાલીઃ જુથબંધીને કારણે પ્રમુખ-વિપક્ષી નેતામાં નિર્ણય લઈ શકાતા નથી

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસમાં હજુ સુધી પ્રભારીની જગ્યા ખાલી છે, એટલું જ નહીં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાએ રાજીનામાં આપ્યા બાદ બન્ને મહત્વની જગ્યાઓ પર નેતાઓની નિમણૂંકો કરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ વિપક્ષના નેતાનું પદ ખાલી છે. કોંગ્રેસના હાઈકમાન્ડની નિષ્ક્રિયતાથી પક્ષના કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારી ભાજપ અને આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે. ત્યારે કૉંગ્રેસ હજુ ગુજરાતના પ્રભારીથી લઈને પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના મામલે ગૂંચવાઈ ગઈ છે, જેમાં પ્રમુખપદ માટે અર્જુન મોઢવાડિયા અને વિધાનસભા વિપક્ષના નેતાપદે શૈલેષ પરમારના નામ મોખરે છે, જયારે પ્રભારી તરીકે મુકુલ વાસનિક અને અવિનાશ પાંડેની શક્યતા છે. છેલ્લા એક મહિનાથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ વારંવાર દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે.

એટલું જ નહીં, ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી મળવાનો પણ સમય આપતાં ના હોવાથી તેઓ ધક્કો ખાઈને ગુજરાત પરત ફરી રહ્યા છે. ગુજરાતમાં અહેમદ પટેલના મૃત્યુ બાદ નેતા વિનાની કોંગ્રેસ થઈ ગઈ હોવાનું ખુદ કોંગ્રેસના કેટલાક નેતાઓ માની રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં કેન્દ્રીય પ્રભારીની નિયુકિત અટકી જતાં પ્રદેશ પ્રમુખથી લઈને સંગઠનમાં બદલાવ થઈ શકતો નથી, ત્યારે આવતા મહિનામાં ઈન્ચાર્જ પ્રભારીની નિમણૂંક કરીને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવા હાઈકમાન્ડ સક્રિય થઈ રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ પ્રભારીની જગ્યા ખાલી પડી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ કોઈ નેતાને નિમણૂક આપી નથી. દેશનાં વિવિધ રાજયોમાં કોંગ્રેસમાં આંતરિક ધમસાણ હોવાથી ગુજરાતમાં પ્રભારીનું નામ નક્કી થતું નથી. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિયુકત કરી દેવાશે. કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પંચાયત ચૂંટણીમાં હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાં ધરી દીધાં હતાં.

નવી નિમણૂક ના થાય ત્યાં સુધી તેમને કાર્યભાર સંભાળવાનું કહેવાયું હતું. કોંગ્રેસનાં સૂત્રોએ કહ્યું હતું કે પ્રભારીપદ માટે મુકુલ વાસનિક તથા અવિનાશ પાંડેનાં નામ આગળ છે. આ ઉપરાંત ભૂતકાળમાં પણ પ્રભારી રહી ચૂકેલા બી.કે.હરિપ્રસાદનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. અહેમદ પટેલના નિધન બાદ ગુજરાતનો મામલો સંભાળવાનું હાઈ કમાન્ડ માટે મુશ્કેલ છે. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી હતી. એ સમયે સત્તા ન મળવા છતાં કોંગ્રેસનો દેખાવ પ્રમાણમાં સારો હતો. નવા પ્રભારીપદે પણ એવા નેતાની નિમણૂક કરાશે, જે મહત્ત્વની બાબતોમાં અશોક ગેહલોત સાથે પરામર્શ કરી શકે.