અમદાવાદઃ ગુજરાતમાં પ્રચંડ બહુમતીથી જીત મેળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળે કાર્યભાર સંભાળી લીધો છે. અને સરકાર વર્ષ 2023-24ના બજેટની તૈયારીઓમાં લાગી ગઈ છે. બીજીબાજુ આગામી મહિનાઓમાં મહત્વની ગણાતી જી-20ની બેઠકો પણ ગુજરાતમાં યોજાવાની હોવાથી તેના આયોજન માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર આવતા મહિને નિવડત થઈ રહ્યા હોવાથી તેમનો સેવાકાળ ચાર મહિના લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
ગાંધીનગરના સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમારને વધુ એકવાર એક્સટેન્શન મળે તેવી શક્યતા છે. રાજ્ય સરકાર તેમને આગામી મે મહિના સુધી કાર્યકાળ લંબાવી આપે તેવી ગણતરી સેવાઈ રહી છે. હાલમાં પંકજ કુમાર પોતાનું એક્સટેન્શન ભોગવી રહ્યા છે. તેમનું આ એક્સટેન્શન જાન્યુઆરી મહિનામાં પૂરું થવા જઈ રહ્યું છે., પંકજ કુમારને 4 મહિના એક્સટેન્શન મળી શકે છે.. આગામી સમયમાં આવી રહેલા બજેટ સત્રને ધ્યાને રાખીને ગુજરાત સરકાર કેન્દ્રને આ માટે ભલામણ પત્ર મોકલી આપશે. તે પછી કેન્દ્ર સરકારની મંજૂરી અનુસાર આ નિર્ણય જાહેર કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યા હતું કે, ગયા મે માસમાં મુખ્ય સચિવ પંકજ કુમાર વય નિવૃત્ત થયા હતા પરંતુ સરકારે તેમને 8 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. હવે તેમને બીજા 4 મહિનાનું એક્સટેન્શન મળશે તેવા સંજોગોમાં નિવૃત્તિ પછી પંકજ કુમારનો કાર્યકાળ 1 વર્ષ જેટલો લાંબો ચાલશે. તેમના પૂરોગામી અને ભૂતપૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકિમને પણ ગુજરાત સરકારે 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. કુમારના નિવૃત્ત થયા બાદ ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ લંબાવવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત સચિવાલયમાં ફરજ બજાવતા સચિવ કક્ષાના અધિકારીઓ તથા ફિલ્ડમાં કામ કરતાં આઇએએસ અધિકારીઓની બદલીઓ પણ બજેટ સત્ર દરમિયાન થઈ શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ સરકારનું ધ્યાન સંપૂર્ણ પણે આવતા નાણાકિય વર્ષના બજેટ પર હોવાથી સચિવકક્ષાએ બદલીઓ કરવાથી કામગીરીમાં વિક્ષેપ પડી શકે છે. તેથી વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન પરંતુ ગૃહમાં બજેટ રજૂ થઈ અને મંજૂર થઈ જાય તે પછી સરકાર આઇએએસ અધિકારીઓની બદલીઓના હુકમો કરશે. તે સિવાય મંત્રીઓના પીએ, પીએસની નિમણૂકો માટે પણ સરકાર હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના મુખ્ય સચિવને 4 મહિનાનું એક્સટેન્શન આાપવામાં આવે તો સાથે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને પણ 3 અથવા 4 મહિનાનું એક એક્સટેન્શન મળી શકે તેમ છે. ભાટિયા પણ હાલ નિવૃત્તિ બાદ એક્સટેન્શન પર જ છે. (file photo)