અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા 28 જુલાઈથી લેવાનો નિર્ણય લીધો છે. અગાઉ રાજ્યની 8 મહાનગર પાલિકામાં કરફ્યૂના પગલે પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ન હતી. જ્યારે કોરોનાના કારણે 8 મહાનગર પાલિકા સિવાયના વિસ્તારમાં પણ કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી. જેથી અગાઉની પરીક્ષામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ અને 8 મહાનગર પાલિકાના વિદ્યાર્થીઓ માટે 28 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન સાયન્સની પ્રાયોગિક પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા નક્કી કરેલા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અગાઉ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓએ કોરોનાને લગતા રિપોર્ટ રજૂ કરવાના રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધો.12 સાયન્સના નિયમિત અને રિપીટર વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કર્યું હતું. જોકે, જે તે વખતે કોરોનાના કેસોમાં સતત વધારો થતાં સરકાર દ્વારા રાજ્યની 8 મહાનગર પાલિકામાં કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. જેના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા 8 મહાનગર પાલિકા વિસ્તારમાં આવતા પરીક્ષા કેન્દ્રો પર ધો.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડ દ્વારા નિયમિત અને રિપીટર વિદ્યાર્થીઓની રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવનાર હતી. આ દરમિયાન ધો.12 સાયન્સની પરીક્ષા સરકાર દ્વારા રદ કરી વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જે અનુસાર ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં આવશે. જેથી નિયમિત વિદ્યાર્થીઓ માટે હવે પ્રાયોગિક પરીક્ષા લેવાની થતી નથી. પરંતુ ધો.12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવનાર હોવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ હવે રાજ્યમાં 28 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન ધો.12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની હોલ ટિકિટ પણ બોર્ડ દ્વારા ઓનલાઈન આપવામાં આવશે, જે અંગેની વિગતો બોર્ડ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.
રાજ્યના 8 મહાનગર પાલિકા વિસ્તારમાં આવતા પરીક્ષા કેન્દ્રો સિવાયના અન્ય પરીક્ષા કેન્દ્રો ખાતે અગાઉ બોર્ડ દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કોરોના કે અન્ય કોઈ અનિવાર્ય કારણોસર વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હોય તેવા રિપીટર વિદ્યાર્થીઓ પણ પ્રાયોગિક પરીક્ષા આપી શકશે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જે રિપીટર વિદ્યાર્થીઓ અગાઉ લેવામાં આવેલી પ્રાયોગિક પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોય તે ઉમેદવારો પૈકીના પ્રાયોગિક પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓએ શાળા મારફતે કોરોનાની બીમારી સંબંધે કે અન્ય જરૂરી આધાર પુરાવા જેવા કે RT-PCR ટેસ્ટ રિપોર્ટ, અન્ય તમામ મેડિકલ રિપોર્ટની ખરી નકલ અને ડોક્ટરી પ્રમાણપત્ર અને પ્રાયોગિક પરીક્ષામાં ઉપસ્થિત થવા મંજૂરી માટે નિયત કરેલા નમૂનાના અરજીપત્રક સહિતની ફાઈલ 21 જુલાઈ સુધી બોર્ડમાં જમા કરાવવાની રહેશે. વિદ્યાર્થીની અરજી અને આધારા પુરાવાના ગુણ દોષના આધારે ઉમેદવારની પ્રાયોગિક પરીક્ષા અંગે બોર્ડ દ્વારા નિર્ણય કરી શાળાને જાણ કરવામાં આવશે. રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા માટેનું કેન્દ્ર બોર્ડ દ્વારા ફાળવવામાં આવે તે કેન્દ્ર પરથી પરીક્ષા આપવાની રહેશે.