અમદાવાદઃ આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું. જિલ્લા કલેકટરાલય ખાતે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન એકશન પ્લાનની જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં દક્ષિણીએ જે સ્થળોએ વોટર લોગીંગના પ્રશ્નો રહેતા હોય તેવા સ્થળોની સ્થળ મુલાકાત લઇ વોટર લોગીંગના પ્રશ્નો ન રહે અને ગટર-કાંસની સાફ-સફાઇ સમયસર થઇ જાય તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
કલેકટર મનોજ દક્ષિણીએ કાંસની યોગ્ય સાફ-સફાઇ કરવાની સાથે ખાસ કરીને આણંદ, બાકરોલ, વિદ્યાનગર, આંકલાવ, ગામડી જેવા શહેરી-ગ્રામ્યના જે વિસ્તારોમાં ભૂતકાળમાં પાણી ભરાવાના પ્રશ્નો રહેતા હોય તે વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી મુશ્કેલીઓ ન પડે તેવું આગોતરૂં આયોજન કરવાની સાથે કચરાનો પણ યોગ્ય નિકાલ થાય તે જોવા સુચવ્યું હતું. કલેકટરએ જિલ્લામાં જયાં જર્જરિત મકાનો હોય તો તેવા મકાનોની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. મનોજ દક્ષિણીએ તમામ અધિકારીઓને ગામ-તાલુકા અને જિલ્લા કક્ષાનો વિગતવાર એકશન પ્લાન ઘડી કાઢવાની સાથે જિલ્લા-તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવાનું જણાવી બચાવ-રાહત કામગીરીના તમામ સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ તેની યોગ્ય ચકાસણી કરાવી લેવા પણ જણાવ્યું હતું.
કલેકટરએ સ્થળાંતરના સંજોગો ઉપસ્થિત થાય તો તેના આશ્રયસ્થાનોની જરૂરી ચકાસણી કરવાની સાથે, સામાજિક-સેવાભાવી-સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત એન.સી.સી./એન.એસ.એસ., તરવૈયાઓ, હોમગાર્ડઝના જવાનોની યાદી તૈયાર રાખવા ઉપરાંત સરકારી/ખાનગી જેસીબી મશીનો, ક્રેઇન, ટ્રેકટર, ડમ્પરની વિગતો તૈયાર કરવા પણ સુચવ્યું હતું. તેમણે વધુમાં ચોમાસાની ઋતુ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓનો પુરવઠો જળવાઇ રહે તે જોવાનું જણાવી સંબંધિતોને જોખમી વૃક્ષો, ઝાડી-ઝાંખરા જે નડતરરૂપ હોય તે ઉતારી લેવા જણાવ્યું હતું.