અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતાઓ છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ વેગવંતી કરવામાં આવી છે. 5 જાન્યુઆરીએ મતદારોની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાય તેવી શખયતા છે. જ્યારે 2 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર 1 જાન્યુ. 2021ની સ્થિતિએ તા. 5 જાન્યુઆરીએ પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાશે. ત્યારબાદ તા. 2 ફેબ્રુઆરીએ ફોટો વાળી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યની 5 મહાનગરપાલિકા અને 7 નગરપાલિકાઓમાં હદ વિસ્તારમાં સુધારા સાથેનું નવું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશ જાહેર કરવામાં આવ્યા છે. તે જોતા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે. જેની તૈયારીઓ ચૂંટણીપંચ દ્વારા પણ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણીજંગમાં ઉતારશે. બીજી તરફ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બે તબક્કામાં ચૂંટણી યોજવામાં આવે તેવી અટકળો પણ વહેતી થઈ છે.