અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા જ વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન પ્લાન બનાવવામાં આવતો હોય છે. મ્યુનિ. દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ તેમજ રસ્તા પર મોટા ખાડાં અને ગાબડા પુરવા સહિતની કામગીરી માટે પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરીને તેના ચૂસ્ત અમલનો ઢોલ પિટવામાં આવ્યો હતો પરંતુ આ વખતે પણ મધ્યમ વરસાદથી જ આ પ્લાન ધોવાઇ ગયો હતો. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ પરેશાની વેઠવી પડી છે. જેમાં શહેરના પૂર્ વિસ્તારની હાલત કફોડી જોવા મળી હતી.
અમદાવાદ શહેરમાં ગુરૂવારે દિવસ દરમિયાન થલતેજ, વસ્ત્રાપુર, એસ.જી હોઈવે, કાલપુર, રાયપુર, દરિયાપુર શાહપુર, ખાનપુર, સારંગપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. શહેર સૈજપુર બોઘા વિસ્તારમાં વીજળી પડવાના કારણે પ્રભાકર સોસાયટીના મકાનની છત પડી હતી. જોકે કોઈ જાનહાની થઈ નથી. શહેરમાં વહેલી સવારથી આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. શહેરના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો સાબરમતી, ચાંદખેડા, જગતપુર, ગોતા, ન્યુ રાણીપ, રાણીપ, મોટેરા, નરોડા, નિકોલ, ઓઢવ, કુબેરનગર, સરદારનગર, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે શહેરના સરદારનગર, કોતરપુર, નરોડા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ચાંદખેડા, સાબરમતી, મોટેરા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે શહેરના મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવ રોડ, ઓમનગર ક્રોસિંગ, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આથી ધંધા-રોજગાર માટે નિકળેલા લોકો રસ્તામાં જ ફસાયા હતા. તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.