Site icon Revoi.in

રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ આજથી વિદેશ પ્રવાસે,જાણો કોણ ક્યાં અને કેમ ગયું

Social Share

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા અને ભારત સરકાર વતી શોક વ્યક્ત કરવા યુકે પહોંચ્યા છે.મુર્મુ 19 સપ્ટેમ્બરના રોજ વેસ્ટમિંસ્ટર એબી ખાતે રાણી એલિઝાબેથ II ના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થશે. તે જ સમયે, રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ઇજિપ્તની ત્રણ દિવસની મુલાકાતે જશે, જ્યારે વિદેશ મંત્રી  ડૉ. એસ. જયશંકર 18-28 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જશે.આ સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જઈ રહ્યા છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 18 સપ્ટેમ્બરથી ત્રણ દિવસીય ઈજિપ્તની મુલાકાતે છે. તેમણે ટ્વિટ કર્યું કે,બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા માટે જનરલ મોહમ્મદ અહેમદ ઝાકી સાથે ચર્ચા કરવા આતુર છીએ.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 18-28 સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાતે જશે.આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77મા સત્રમાં ઉચ્ચ સ્તરીય સપ્તાહ માટે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ઉપરાંત G-4 મંત્રી સ્તરની બેઠકની યજમાની કરશે. તેઓ L-69 જૂથની ઉચ્ચ સ્તરીય બેઠકમાં પણ ભાગ લેશે.

વિદેશ મંત્રી ક્વાડ, IBSA, BRICS, India-Presidency Pro Tempore CELAC, India-CARICOM અને ભારત-ફ્રાન્સ-ઓસ્ટ્રેલિયા, ભારત-ફ્રાન્સ-UAE અને ભારત-ઇન્ડોનેશિયા-ઓસ્ટ્રેલિયા જેવા અન્ય ત્રિપક્ષીય ફોર્મેટની બહુપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે.તેઓ G20 અને UNSC સભ્ય દેશો અને અન્ય વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ રવિવારે બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ ત્યાં આર્થિક અને રોકાણ સમિતિની વાર્ષિક મંત્રી સ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી અબ્દુલ અઝીઝ બિન સલમાન પણ આ બેઠકની સહ અધ્યક્ષતા કરશે.