Site icon Revoi.in

એઈમ્સ રાયપુરના બીજા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિએ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાયપુરના બીજા દીક્ષાંત સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ  હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે 10 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 514 વિદ્યાર્થીઓને ડિગ્રી આપીને સન્માનિત કર્યા હતા.

દીક્ષાંત સમારોહમાં તેમની સાથે રાજ્યપાલ રામેન ડેકા, મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાંઈ અને આરોગ્ય પ્રધાન શ્યામ બિહારી જયસ્વાલ પણ હાજર હતા. આ પ્રસંગે, પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો અનુસાર, રાષ્ટ્રપતિ મુર્મુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NIT) રાયપુરના 14મા દીક્ષાંત સમારોહમાં 2.45 વાગ્યે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. રાષ્ટ્રપતિ સાંજે 4.30 વાગ્યા સુધીમાં દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવીઓ આપશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે 6 વાગ્યે નવા રાયપુરમાં પુરખૌટી મુક્તાંગન સંકુલમાં સુરગુજા બ્લોકનું ઉદ્ઘાટન કરશે અને છત્તીસગઢ સરકારની મહતરી વંદન યોજના હેઠળ 70 લાખ મહિલાઓને 9મા હપ્તાની રકમ જાહેર કરશે અને આ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે 26 ઓક્ટોબરે રાયપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા સાથે IIT ભિલાઈ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેમોરિયલ હેલ્થ સાયન્સ અને આયુષ યુનિવર્સિટી નવા રાયપુરના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.