રાષ્ટ્રપતિ પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કરશે
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુ 22 ઓક્ટોબર 2024ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે 5મો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કરશે. જળ શક્તિ મંત્રાલય હેઠળના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD &GR) વિભાગે 14 ઓક્ટોબર 2024ના રોજ 09 કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે, શ્રેષ્ઠ જિલ્લા, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સંસ્થા, શ્રેષ્ઠ શાળા અથવા કોલેજ, શ્રેષ્ઠ ઉદ્યોગ, શ્રેષ્ઠ પાણી વપરાશકર્તા સંઘ, શ્રેષ્ઠ સંસ્થા (શાળા અથવા કૉલેજ સિવાય), અને શ્રેષ્ઠ નાગરિક સમાજ એમ 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર, 2023 માટે સંયુક્ત વિજેતાઓ સહિત 38 વિજેતાઓની જાહેરાત કરી હતી.
શ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં, પ્રથમ પુરસ્કાર ઓડિશાને આપવામાં આવ્યો છે, જ્યારે કે ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે અને ગુજરાત અને પુડુચેરીએ સંયુક્ત રીતે ત્રીજું સ્થાન મેળવ્યું છે. દરેક પુરસ્કાર વિજેતાને પ્રશસ્તિ પત્ર અને ટ્રોફી તેમજ અમુક કેટેગરીમાં રોકડ ઈનામોથી નવાજવામાં આવશે.
માનનીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ, જળ શક્તિ મંત્રાલય રાષ્ટ્રીય સ્તરે જળ વ્યવસ્થાપન અને જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વ્યાપક અભિયાન ચલાવી રહ્યું છે. આ દૃષ્ટિકોણથી અને લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને લોકોને પાણીના શ્રેષ્ઠ ઉપયોગની પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરવા માટે, 2018માં DoWR, RD અને GR દ્વારા પહેલા રાષ્ટ્રીય જળ પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2019, 2020 અને 2022 માટે બીજા, ત્રીજા અને ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. કોવિડ રોગચાળાને કારણે વર્ષ 2021માં પુરસ્કારો આપવામાં આવ્યા ન હતા.
રાષ્ટ્રીય જળ પુરસ્કાર (NWAs) દેશભરમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સારા કામ અને પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કે જેથી સરકારના ‘જલ સમૃદ્ધ ભારત’ના વિઝનને પ્રાપ્ત કરી શકાય. આ પુરસ્કારો લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પાણીના શ્રેષ્ઠ ઉપયોગની પદ્ધતિઓ અપનાવવા પ્રેરિત કરવા માટે એનાયત કરવામાં આવે છે.