Site icon Revoi.in

કંડલા પોર્ટ નજીક છેલ્લા 50 વર્ષથી કરાયેલા દબાણો હટાવાયા

Social Share

ગાંધીધામઃ દેશના આગવી હરોળના ગણાતા કંડલાના દીન દયાળ પોર્ટની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 50 વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. પોર્ટની નજીક જ 600 જેટલા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓ બનાવી દેવામાં આવ્યા હતા. ગઈકાલથી  દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. 50 વર્ષથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર આખરે પોર્ટ તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. પોલીસ અને CISFના સહયોગથી કચ્છના સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહીથી એક જ દિવસમાં 600 જેટલાં કાચાં-પાકાં દબાણો તોડી પડાયાં હતાં. આમ અંદાજે 400 કરોડની 150 એકર જમીનને દબાણમુક્ત કરાઈ હતી. આ ડિમોલિશનના પગલે ઝૂંપડપટ્ટીમાં રહેતાં અંદાજે સાડા પાંચેક હજાર લોકોને રાતોરાત ઉચાળા ભરવાનો વારો આવ્યો છે.

કંડલા પોર્ટની આસપાસના વિસ્તારોમાં પોર્ટની જમીન પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા, એટલે કે આ વિસ્તારમાં આખી વસાહત ઊભી થઈ ગઈ હતી. ઘણા લોકોએ પાકા મકાનો પણ બાંધી દીધા હતા.સતત વધતાં જતાં ઝૂંપડાઓ અને દબાણો એક મોટો પ્રશ્ન દશકાઓથી બનેલો હતો. વારંવાર તેમને અહીંથી હટી જવા માટેના પ્રયાસો કરાયા હતા. દબાણકારોના મોટા સમુહને લીધે  કોઇ કાર્યવાહી થઈ શક્તી નહોતી, ત્યારે વર્ષોથી આ પ્રશ્ન અટકેલો હતો. ત્યારે નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઇ હતી. કંડલામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સમુદ્રી ખાડીને સમાંતર કોસ્ટલ લેન પર અંદાજે 150 એકર જમીન પર ગેરકાયદે બની ગયેલી બન્ના ઝૂંપડપટ્ટીને હટાવવા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી.

પોર્ટના સૂત્રોના કહેવા મુજબ વર્ષ 1998માં આવેલા ભયાનક વાવાઝોડામાં હજારો લોકો અસરગ્રસ્ત બન્યા હતા ત્યારે પ્રશાસન દ્વારા કંડલામાં રહેણાક માટે જગ્યા ન હોવાનું ઘોષિત કરીને અહીં વસેલી આખી સતાવાર કોલોનીઓ ખાલી કરી તમામને ગાંધીધામ શહેરમાં વસાવ્યા હતા, પરંતુ આ ઝુપડાઓ હટાવી શકાયા નહોતા. ત્યારે ગત 1લી સપ્ટેમ્બરના પોર્ટ પ્રશાસને દબાણ હટાવો નક્કરતાપૂર્વક કરાશે તેવી ચીમકી અને નોટિસ તમામને આપવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે ગુરુવારે સવારે 6 વાગ્યાથી બુલડોઝર અને જેસીબી સાથે આવી પહોંચેલા પોર્ટ પ્રશાસન, પોલીસ અને CISF દ્વારા દબાણ હટાવ કામગીરી શરૂ કરીને અંદાજે અઢી કિલોમીટરનો પટ્ટો સાફ કરી નાખ્યો હતો. જેમાં 600 જેટલાં ઝૂંપડાં તોડવામાં આવ્યાં, જેમાં અંદાજે ત્રણથી પાંચ હજાર લોકો વસવાટ કરતા હતા. ખુલ્લી થયેલી જમીનની કિંમત 400 કરોડથી વધુની હોવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે. દરમિયાન સ્થાનિક લોકોના કહેવા મુજબ પોર્ટ વિસ્તારમાં વર્ષો જુના દબાણો હટાવ્યા છે. પણ હવે ફરીવાર દબાણો ન થાય તે માટે પોર્ટ ઓથોરિટીએ વ્યવસ્થા ગોઠવવી પડશે.