સુરેન્દ્રનગરઃ પટ્રોલ-ડિઝલ, રાધણગેસના ભાવમાં તોતિંગ વધારા બાદ હવે નેચરલ ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો કરતા થાન સહિતના સિરામિક ઉદ્યોગોની હાલત કફોડી બની છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂ.10નો વધારો કરી દેતા ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ છે. હાલ કોરોનાનો મૃત:પ્રાય કરી નાંખે તેવો માર સહન કરી માંડ બેઠા થતાં ઉદ્યોગને ગેસનો ભાવ વધારો મૃત્યુઘંટ વગાડી દે તેવો હોવાથી ભાવ વધારો પાછો લેવા ઉદ્યોગકારોની માંગ ઉઠી છે
ઝાલાવાડ પંથકમાં થાનના સિરામિક ઉદ્યોગથી અનેક લોકોને રોજગારી મળે છે. સિરામિક ઉદ્યોગ થકી આશરે 300થી વધુ એકમો સાથે વિશ્વકક્ષાએ સિરામિક વસ્તુઓ ઓરસિયા, કમળ, પોખરા, વેસ્ટર્ન પોખરા સાથે આધુનિક ગેડી સહિતની 100થી વધુ વસ્તુઓ એક્સપોર્ટ કરી જિલ્લાને આગવી ઓળખ આપી રહ્યો છે. થાનમાં વર્ષ 2005માં ગુજરાત સરકારે એકમોને ગેસની લાઇન આપી ત્યારે 1 કિલો ગેસના રૂ.13 ભાવ હતો.જેમાં ઓગષ્ટ 2020માં ભાવ 26.08 હતો ત્યારબાદ ઓગષ્ટ 2021 માસમાં રૂ.4.62 વધારો કરતા તે રૂ.35.14ના ભાવે 1 કિલો મળતો હતો તેના રૂ.39.76 થઇ ગયા હતા. આમ કોરોના કપરા સમયમાં રૂ.13.07નો વધારો થયો હતો. ત્યારબાદ કિલોના ભાવમાં રૂપિયા 10.50નો ભાવ વધારો કરાતા ભાવ 50ને વટાવી ગયો છે.
સિરામિક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ કોરોના કાળના મૃત:પ્રાય કરી નાંખે તેવા મારને જીરવી માંડ બેઠા થયાં ત્યાં નેચરલ ગેસના ભાવમાં રૂ.10.50નો ભાવ વધારો કરાતા હાલત કફોડી થઈ ગઈ છે. નેચરલ ગેસનો ભાવ કિલોના રૂ.50.96 થઇ ગયો છે. થાન ઉદ્યોગોમાં હાલ 2.40 લાખ કિલો ગેસનો વપરાશ છે. જૂના ભાવ રૂ.39.76 મુજબ ઉધોગકાર રૂ.95,42,400 ચૂકવતા હતા. તે હવે રૂ.50.26 થઇ જતા રૂ.12,230,400 વધારે ચુકવવા પડશે.આમ સિરામિક ઉદ્યોગ પર 26,88,000નો બોજો પડશે. આમ રો-મટિરિયલ અને ગેસના ભાવ વધારાથી અગાઉ 300માંથી 40થી 50 કારખાના બંધ થઇ ગયા હતા. ત્યારે આ નવો ભાવ વધારો ઇન્ટરનેશનલ હરિફાઇમાં માંડ ટકી રહેવા મથતા ઉદ્યોગને મૃત્યુઘંટ વગાડી દે તેવી સ્થિતિ છે. જેમાં વધુ કારખાનાઓ આગામી સમયમાં બંધ થાય તેવી ઉદ્યોગકારો ભીતિ સેવી રહ્યા છે. ત્યારે ઉદ્યોગકારો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આગામી સમયમાં ભાવ વધારા અંગે બેઠક યોજી રણનીતિ નક્કી કરવામાં આવશે.