અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને કારણે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થયો છે. શિયાળાના આગમન ટાણે લીલા શાકભાજીના ભાવ સસ્તા હોય છે તેના બદલે શાકભાજીના ભાવ પણ ભડકે વળી રહ્યા છે.જ્યારે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તો પ્રતિ કિલોના રૂપિયા 60 બોલાય રહ્યા છે. અસહ્ય મોંઘવારીથી લોકોની હાલત કફોડી બની છે. તહેવારો બાદ પણ ડુંગળીના ભાવમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. દિવાળીના દિવસોમાં ડુંગળીના ભાવ રિટેલ માર્કેટમાં 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે, આવનાર દિવસોમાં પણ ભાવ વધારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં નાસિકની ડુંગળીની સારીએવી આવક થતી હોય છે. પણ ટ્રાન્સપોર્ટેશનના ભાડાંમાં તોતિંગ વધારો થતા ડુંગળીના ભાવમાં વધારો થયો છે શહેરના વાસણા APMCમાં હોલસેલ ડુંગળીના વેપારીના કહેવા મુજબ જે વિસ્તારમાં ડુંગળી થાય છે, તે વિસ્તારોમાં વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. કેટલાક સ્થાનો પર ડુંગળીનો સ્ટોક હતો તે પણ બગડી ગયો છે. આ સ્થિતિમાં નવી ડુંગળી આવતા અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે. જેથી આવનાર દિવસોમાં ડુંગળીની આવકના આધારે ભાવમાં વધારો જોવા મળી શકે તેવી શક્યતાઓ છે. હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 15થી 32 રૂપિયા કિલો જોવા મળી રહ્યો છે. આ હિસાબે રિટેઇલ માર્કેટમાં રૂપિયા 40થી વધારેની કિંમતે વેચાણ થવું ન જોઈએ, એટલે કે રિટેઇલ માર્કેટમાં પણ રિઝનેબલ ભાવથી વેચાણ થવું જરૂરી છે. જેથી તમામનું બજેટ સચવાઈ રહે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યમાં અમદાવાદનું વાસણા APMC ડુંગળી-બટાકા માટેનું સૌથી મોટું માર્કેટ છે. અહીં કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા સૌરાષ્ટ્રમાંથી ડુંગળી આવે છે. જોકે સૌરાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. 15 થી 20 દિવસ પહેલા કર્ણાટક આંધ્ર પ્રદેશથી દિવસની 20- 22 ટ્રકો ભરીને ડુંગળી આવતી હતી, જેના સ્થાને હવે 10-15 ટ્રકો આવી રહી છે.