Site icon Revoi.in

બટાકાના ભાવ ઘટીને મણના 100થી 120ના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ માથે પડ્યો,

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયુ છે. જેમાં સૌથી વધુ ડીસા તાલુકામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે. પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.  આ વર્ષે  ઉત્તર પ્રદેશ, બંગાળ સહિત દેશભરમાં બટાકાનું ઉત્પાદન વધુ થતાં બટાકાની માગમાં ઘટાડો થતાં  ભાવ પણ ગગડી રહ્યાં છે. બટાકા હાલમાં 100 થી 120 રૂપિયામાં વેચાય  રહ્યા છે. જેથી ખેડૂતોને પડતાં પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. બટાકાના પોષણક્ષણ ભાવ નહી મળે તો બટાકા રસ્તા પર ફેંકવા પડશે. તેમ ખેડુતો કહી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ડીસા તાલુકામાં મુખ્યત્વે બટાકાનું વાવેતર જ થાય છે. ત્યારે ખેડૂતો પણ સારા ભાવની આશાએ બટાકા વાવ્યા હતા. પરંતુ પાક તૈયાર થતાંની સાથે જ ખેડૂતોને સારા ભાવની જગ્યાએ નિરાશા મળી રહી છે. જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહી મળે તો બટાકા રસ્તા પર ફેકવાનો વારો આવી શકે છે.આથી ખેડૂતોને રોકાણ પણ સરભર થાય તેવી બિલકુલ આશા નથી. ચાલુ વર્ષે ખેડૂતોએ મોઘા ભાવના ખાતર, બિયારણ તેમજ દવા સહિતનો ખર્ચ કરી સારા ભાવ મળવાની આશાએ બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ બટાકા કાઢવાના સમયે ઉત્પાદન સારૂ થયું છે. પરંતુ હાલમાં પ્રતિ મણ બટાકાનો ભાવ 100 થી 120 રૂપિયા મળી રહ્યાં છે. જેથી ખેડૂતો ને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં 200 રૂપિયા ભાવ મળે તો જ ખેડૂત ને સરભર થાય તેમ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિયાળાની સિઝનમાં હવામાન અનુકૂળ રહેતાં ચાલુ વર્ષે ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ, બંગાળ સહિત દેશભરમાં બટાકાનું ખુબ જ સારૂ ઉત્પાદન મળ્યું છે. જેની સામે બટાકાની ડીમાન્ડ ઘટી છે. હાલમાં મળી રહેલા ભાવથી ખેડૂતોને ખર્ચ પણ નિકળી શકે તેમ નથી.