અમદાવાદઃ ગુજરાતમાં શ્રાવણ-ભાદરવો મહિનો એટલે લોકમેળાની પણ મોસમ જામતી હોય છે. જેમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. મેળામાં ચકડોળથી લઈને અવનવા રંગબેરંગી રમકડાંની દુકાનો આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે રમકડાં ઉદ્યોગને પણ મોંઘવારી નડી છે. અને રમકડાંના ભાવમાં 30 જેટલો વધારો કર્યો છે. જેના લીધે મેળામાં રમકડાના નાના સ્ટોલ ઊભા કરનારા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કારણે કે રાજકોટ સહિતના લોકમેળામાં રમકડાંના વેપારીઓએ હરાજીમાં ઊચા ભાવે સ્ટોલ રાખી લીધા છે. હવે રમકડાંના ભાવમાં વધારો થતાં ઘરાકી ઘટશે તો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બનશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના કાળ બાદ સૌરાષ્ટ્રમાં બે વર્ષ પછી લોકમેળાઓ આ વર્ષે યોજાશે. અને સાતમ-આઠમના મેળામાં મુખ્યત્વે રમકડાં ખરીદવાની દાયકાઓ જૂની પરંપરા રહી છે. પરંતુ આ વર્ષે મોંઘવારીનો માર ભૂલકાંઓને પણ લાગશે. રમકડાંના ભાવમાં આશરે 30 ટકા વધારો થયો છે. અને આ સાથે રમકડાંની વેરાઇટી પણ ઓછી થયાનું તેમજ રો-મટિરિયલ ઓછું આવી રહ્યાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને મેટલ અને ઇલેક્ટ્રિકોનિક પાર્ટ્સ મોંઘા થતા રમકડાં પણ મોંઘા થયા છે. આથી રાજકોટ લોકમેળાના સ્ટોલધારકો મૂંઝવણમાં મૂકાયા છે. રમકડાં બનાવતા ઉદ્યોગકારોના કહેવા મુજબ રમકડાંના કાચા માલમાં અન્ય માલ સામાનની સાથે કર ભારણ તથા ભાવ વધારાના પગલે રમકડાંના ભાવમાં નાછૂટકે વધારો કરવાની ફરજ પડી છે. વિવિધ મેટલ અને ઈલેક્ટ્રોનિક પાર્ટ્સના ભાવ વધ્યા છે. આ ઉપરાંત ચાઈનીઝ માલ પર પ્રતિબંધોને પગલે જે સસ્તા અને નવા રમકડાં આવતા તે બંધ છે. સ્થાનિક ધોરણે જોઈએ એટલી રેન્જ અને વ્યાજબી ભાવે મળતી નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વર્ષે ભાવ વધારા અને રમકડાંના વૈવિધ્યના અભાવ માટે બીજું એક કારણ સરકારનો નિર્ણય ગણાવાય છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ અચાનક માત્ર BIS પ્રમાણિત રમકડાં જ વેચી શકાય તેવો નિર્ણય જાહેર કરીને દરોડાઓ પણ પાડ્યા છે. વેપારીઓ કહી રહ્યા છે. કે, અમે જે રમકડાં સરકારને ટેક્સ ભરીને મગાવ્યા છે તે આયાત થયા ત્યારે જ પ્રમાણિત થયેલા છે, જેના પર GST વસુલવામાં આવે છે તે રમકડાંનો હવે નાશ કરી દેવાનું કહેવાય છે. આ અન્યાય છે અને આના કારણે રમકડાંની સપ્લાય અને રેટ પર માઠી અસર થાય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત રાજકોટ લોકમેળામાં રમકડાંના સ્ટોલ્સના ભાવ રૂ.25000ના રૂ.30000 અને રૂ.50000ના રૂ.60000 કરાયા છે. તેમજ રૂ.20 હજારની ડિપોઝીટ પણ વધારીને 24000 કરાઈ છે. અર્થાત ખુદ વહીવટી તંત્રએ રમકડાંના સ્ટોલ 20 ટકા મોંઘા કર્યા છે જે બોજ છેલ્લે ગ્રાહકો પર વધીને લદાશે. માત્ર રાજકોટના જ લોકમેળામાં આશરે 40 કરોડથી વધુ રકમના રમકડાંનું વેચાણ થાય છે. પરંતુ ઘરે બાળકો હોય તે દરેક વાલી રૂ.100થી 5000ની કિંમતના એકાદ-બે રમકડાં ખરીદતા હોય છે.